નેપાળના દોલખા જિલ્લામાં આવેલ રોલવાલીંગ પર્વત શ્રેણીમાં આવેલ ભીષણ હિમસ્ખલનમાં સાત પર્વતારોહીઓના મોત થયા છે. મૃત્યુ પામેલામાં પાંચ વિદેશી અને બે નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે, જ્યારે ચાર નેપાળી પર્વતારોહીઓ હજી સુધી લાપતા છે. દોલખા જિલ્લા પોલીસ કચેરીએ આપેલી માહિતી મુજબ, આ દુર્ઘટના સવારે આશરે 8:30 વાગ્યે બની હતી, જ્યારે 15 સભ્યોની એક ટીમ યાલુંગ રી ચોટી તરફ આગળ વધી રહી હતી.
ટીમમાં પાંચ વિદેશી પર્વતારોહી અને દસ નેપાળી માર્ગદર્શકો (ગાઇડ) સામેલ હતા. હિમસ્ખલનના કારણે આખી ટીમ બરફની નીચે દબાઈ ગઈ હતી. ભારે બરફવર્ષા અને સંચારવ્યવસ્થામાં અવરોધને કારણે તાત્કાલિક રાહત અભિયાન શરૂ કરી શકાયું નહોતું. દોલખાના પોલીસ ઉપાધીક્ષક જ્ઞાનકુમાર મહતોના જણાવ્યા મુજબ, મૃત્યુ પામેલ વિદેશી પર્વતારોહીઓમાં ત્રણ ફ્રેન્ચ, એક કેનેડિયન અને એક ઇટાલિયન નાગરિક સામેલ છે.
મહતોના જણાવ્યા અનુસાર, ટીમનું મૂળ લક્ષ્ય દોલ્મા કાંગ પર્વત પર ચડવાનું હતું, પરંતુ તેની પહેલાં તેઓએ યાલુંગ રીને તાલીમ માટેની ચઢાણ તરીકે પસંદ કરી હતી. દુર્ઘટનાની માહિતી મોડેથી મળતાં બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો. સતત બરફવર્ષા અને ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ ઑપરેશન શરૂ કરી શકાયું નથી.
સેના, સશસ્ત્ર પોલીસ દળ અને નેપાળ પોલીસના દળોને લામાબગરથી મોકલવામાં આવ્યા છે, પરંતુ હવામાનની પરિસ્થિતિને કારણે અભિયાન ગંભીર રીતે પ્રભાવિત થયું છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, રોલવાલીંગ ઘાટીમાં છેલ્લા કેટલાંક દિવસોથી સતત બરફવર્ષા થઈ રહી હતી, જેના કારણે આસપાસના ગામોના મોટાભાગના લોકો સુરક્ષિત વિસ્તારોમાં ખસી ગયા હતા.


