મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, 40 લાખથી વધુ બાળકોને મળી રહ્યું છે શિક્ષણ સાથે પોષણ
- પૌષ્ટિક અલ્પાહાર યોજના બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે,
- યોજના અંતર્ગત બાળકોને આપવામાં આવે છે સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ, મીલેટનો અલ્પાહાર,
ગાંધીનગરઃ CM Nutritious Snack Scheme દેશમાં સુશાસનના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી એટલે કે 25 ડિસેમ્બરનો દિવસ ‘સુશાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે સુશાસનના મૂલ્યોને અનુસરતાં નાગરિકોના સર્વાંગી કલ્યાણ માટે વિવિધ યોજનાઓની શરૂઆત કરી છે. આમાં એક મહત્વની યોજના છે- મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, જે બાળકોના શિક્ષણ સાથે પોષણ પણ સુનિશ્ચિત કરે છે. આ યોજનાનો લાભ ગુજરાતના 40 લાખથી વધુ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે.
બાળકોના શિક્ષણ સાથે પોષણ પર ભાર મૂકતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “સરકારી શાળામાં મધ્યાહન ભોજન ઉપરાંત મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અંતર્ગત તાજો અને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવી રહ્યો છે, જેના પરિણામે સરકારી શાળાઓ પ્રત્યે બાળકોનો લગાવ વધ્યો છે અને સાથે જ બાળકોમાં પોષણના સ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત, સરકારી શાળાઓમાં આધુનિક ક્લાસરૂમ, પાણી, વીજળી, શૌચાલય, સ્વચ્છતા, ટ્રાન્સપોર્ટેશન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે.”
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાએ સુશાસનને આપી નવી દિશા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત કર્યા છે. તેમણે લોકકલ્યાણકારી યોજનાઓ દ્વારા રાજ્યની પ્રજાનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરીને સુશાસનને નવી દિશા આપી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ 11 ડિસેમ્બર 2024ના રોજ ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ની શરૂઆત કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સુપોષિત ગુજરાત મિશન હેઠળ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજના હેઠળ આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મળે એ સુનિશ્ચિત કરવાનો છે.
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના: 40 લાખથી વધુ વિદ્યાર્થીઓને મળે છે કેલરી-પ્રોટીનયુક્ત અલ્પાહાર
પી.એમ.પોષણ યોજના હેઠળ આવરી લેવાયેલ તમામ શાળાઓમાં હાજર રહેલા વિદ્યાર્થીઓ ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ હેઠળ નિયમિત લાભ લે છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત સરેરાશ 200 કિલોકેલરી અને 6 ગ્રામ પ્રોટીન ધરાવતો પૌષ્ટિક અલ્પાહાર વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. હાલ, રાજ્યની 32,265 જેટલી પ્રાથમિક શાળાઓના 40 લાખથી વધુ વિદ્યાર્થીઓને કેલરી-પ્રોટીનયુક્ત અલ્પાહાર મળી રહ્યો છે.
વિદ્યાર્થીઓની શાળામાં હાજરીથી માંડીને તેમના પોષણના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો
ગાંધીનગરના દહેગામ તાલુકાના અહમદપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ મળી રહ્યો છે. આ યોજના કેવી રીતે બાળકો માટે લાભદાયી નીવડી છે, તે અંગે શાળાના પ્રિન્સિપલ હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ થઈ તે બાદ વિદ્યાર્થીઓની શાળામાં હાજરીથી માંડીને તેમના પોષણના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. ગ્રામ્ય વિસ્તારમાં માતા-પિતા રોજિંદા કામ માટે જતા હોય એટલે બાળકોને જમ્યા વગર શાળાએ આવવું પડતું હોય છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ થઈ એ પહેલાં સ્થિતિ એવી હતી કે, ઘણાં બાળકો નિયમિત શાળાએ ન આવતા અને ભણવામાં પણ એમનું મન ન લાગતું. આ યોજના શરૂ થયા બાદ વિદ્યાર્થીઓ નિયમિત શાળાએ આવતા થયા છે. એટલું જ નહીં, અલ્પાહાર યોજનાના કારણે કુપોષિત બાળકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.


