ભરૂચ તા.25 ડિસેમ્બર 2025: MP threatens to leave BJP ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વાસાવા અને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ઘણા સમયથી આક્ષેપો-પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લામાં વડાપ્રધાનના કાર્યક્રમના હિસાબને લઈને શરૂ થયેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે રૂપિયા 75 લાખ રૂપિયાનો ‘તોડ’ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે, બન્ને આદિવાસી નેતાઓ વચ્ચેના જંગમાં જિલ્લા કલેક્ટરના વલણને લઈ રોષે ભરાયેલા સાંસદ મનસુખ વસાવાએે કહ્યું હતું કે સરકાર ખોટા લોકોને બચાવવા માગે છે, પણ જો મને ન્યાય નહીં મળે તો હું ભાજપ છોડી દઇશ.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસવા સામે આક્રમક તેવર બતાવ્યા છે. તેમણે કહ્યું હતું કે મારી પાસે 75 લાખની માગણીનું રેકોર્ડિંગ છે છતાં કલેક્ટર કેમ વાત છુપાવી રહ્યા છે એ સમજાતું નથી. કલેક્ટર ચૈતર વસાવાથી ડરી રહ્યા હોય એમ લાગે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હું સરકાર અને અધિકારીઓના પક્ષમાં લડી રહ્યો છું, પણ જો સરકાર મને ન્યાય નહીં આપે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. હું આવા ખોટા માણસોને ચલાવી લેવા માગતો નથી.
મનસુખ વસાવાના કહેવા મુજબ ગભરાયેલા અધિકારીએ આ અંગે જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીને ફરિયાદ કરી હતી. સાંસદે દાવો કર્યો કે, કલેક્ટરે મારી અને જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. અમે અધિકારીને સ્પષ્ટ કહ્યું હતું કે ગભરાવાની જરુર નથી, એક પણ પૈસો કોઈને આપવાનો નથી. જોકે, હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. સાંસદના આક્ષેપો બાદ, બુધવારે ચૈતર વસાવા સીધા જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યા હતા અને સવાલ કર્યો હતો કે શું મેં 75 લાખ માગ્યા હતા ? કલેક્ટરે સાંસદના આક્ષેપોને નકારી કાઢ્યા હતા.
કલેક્ટરના આ વલણથી મનસુખ વસાવા લાલઘૂમ થયા છે. તેમણે આક્ષેપ કર્યો કે, “આજે કલેક્ટર ચૈતર વસાવા સામે આ વાતની ના પાડે છે, તેનો અર્થ એ છે કે તેઓ તેમની સાથે મળી ગયા છે. હું અધિકારીઓ અને સરકાર માટે ખોટા લોકો સામે લડી રહ્યો છું, પણ કલેક્ટર કે સરકાર એમને બચાવી રહ્યા છે તે મારે જાણવું છે. હું આવા ખોટા લોકોનું નહીં ચલાવી લઉં.”
મનસુખ વસાવાના નિવેદન બાદ ચૈતર વસાવાએ આક્રોશ ઠાલવ્યો હતો કે. ખુદ જિલ્લા કલેક્ટરે આ વાતને નકારી કાઢી છે, છતાં મનસુખ વસાવા લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. મનસુખ વસાવાએ જાહેરમાં લોકોની માફી માંગવી જોઈએ અને જો તેઓ આ પ્રકારનો ખોટો વાણી વિલાસ બંધ નહીં કરે તો અમારે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે.


