1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે થોળ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ  આનંદીબેન પટેલે થોળ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે થોળ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી

0
Social Share

મહેસાણા, 28 ડિસેમ્બર 2025: UP Governor Anandiben Patel visits Thol Bird Sanctuary  ઉત્તર પ્રદેશના રાજ્યપાલ  આનંદીબેન પટેલે મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલા થોળ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી હતી. રાજ્યપાલએ થોળ અભયારણ્યના વિસ્તારમાં પક્ષી દર્શન/નિરીક્ષણ કર્યું હતું અને વન વિભાગ અને સ્થાનિક પક્ષીવિદો પાસેથી અભયારણ્યમાં આવતા પક્ષીઓ વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી. સ્થાનિક પક્ષીવિદ દ્વારા બારહેડેડ ગીઝ, ગ્રેલેગ ગીઝ, ડાલમેસીયન પેલીકન, કોમન ક્રેન, બ્રામણી ડક, રફ એન્ડ રીવ વગેરે જેવા યાયાવર પક્ષીઓ સાયબીરીયા, રશીયા, માંગોલીયા, કઝાકીસ્તાન, ચીન વિગેરે દેશોમાંથી આવે છે, તે અંગે  રાજ્યપાલને અવગત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યપાલએ સ્થાનિક અધિકારીઓ સાથે થોળ અભયારણ્યમાં નેચર વોક કર્યુ હતું. નેચર વોક દરમિયાન રાજ્યપાલએ થોળ અભયારણ્યની મુલાકાતે આવેલ પ્રવાસીઓ સાથે સહજ સંવાદ કર્યો હતો અને નાયબ વન  સંરક્ષકશ્રી સાથે આગામી સમયમાં અભયારણ્યમાં યાયાવર પક્ષીઓના સંરક્ષણ માટેની પહેલ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ મુલાકાત દરમિયાન રાજ્યપાલએ થોળ અભયારણ્ય સંકુલ ખાતે ‘ એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, થોળ પક્ષી અભયારણ્ય સરોવરનો વિસ્તાર ૬૯૯ હેકટર (૬.૯૯, ચો.કિ.મી.) છે. સિંચાઈ તળાવ તરીકે ઉપયોગમાં લેવાતા આ સરોવરમાં હજારોની સંખ્યામાં જળાશયના પક્ષીઓ આવે છે, વસવાટ કરે છે, અને શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે આશ્રયસ્થાન બની રહે છે. આ સરોવરનો વિસ્તાર મહત્વના પક્ષી વિસ્તાર તરીકે જાહેર કરેલ છે. થોળ પક્ષી અભયારણ્યને તા.૧૨/૦૮/૨૦૨૧ના રોજ “રામસર સાઈટ” (આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતાં જલપ્લાવિત વિસ્તાર) તરીકે માન્યતા પ્રાપ્ત થયેલ છે. થોળ અભયારણ્યમાં છેલ્લી પક્ષી ગણતરી મુજબ ૫૫૫૮૭ જેટલા તથા જુદા જુદા અંદાજીત ૭૪ જાતિના પક્ષીઓ નોંધાયેલ હતાં. આ ઉપરાંત અત્યાર સુધી ૩૨૦ થી વધારે જાતિના કુલ પક્ષીઓ નોંધાયેલ છે. જેમા ૭૮ જાતિના યાયાવર(માયગ્રેટરી) પક્ષીઓનો સમાવેશ થાય છે. થોળ પક્ષી અભયારણ્યમાં ૧૧૮ જાતિના પક્ષીઓ માટેનું સંવેદનશીલ રહેઠાણ છે.

આ મુલાકાત દરમિયાન નાયબ વન સંરક્ષક ડૉ.સક્કિરા બેગમ, મદદનીશ વન સંરક્ષક એન.એમ.પટેલ, જિલ્લા  પુરવઠા અધિકારી બિરેન પટેલ, DYSP  હાર્દિક પ્રજાપતિ, કડી મામલતદાર માધવી પટેલ, થોળ ગામના સરપંચ, સ્થાનિક અગ્રણીઓ તેમજ વન વિભાગના અધિકારી/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code