સુરત, 2 જાન્યુઆરી 2026: Police head constable caught taking bribe of Rs 30,000 in Kadodara જિલ્લાના કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલને એસીબીએ રૂપિયા 30 હજારની લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યો હતો. હેડ કોન્સ્ટેબલ શીતલ નટવરભાઈ પ્રજાપતિએ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા ફરિયાદી પાસેથી રૂપિયા 30 હજારની લાંચ માગી હતી, ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી નવસારી એસીબીમાં ફરિયાદ કરતા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. નવસારી એ.સી.બી.ની ટીમે 30,000 રૂપિયાની લાંચ લેતા અંત્રોલી ગામ પાસે હેડ કોન્સ્ટેબલને રંગેહાથ પકડી પાડ્યો હતો.
એસીબીના સૂત્રોના કહેવા મુજબ ફરિયાદી અગાઉ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો હતો, પરંતુ હાલમાં ધંધો બંધ કરી દીધો છે. તેમ છતાં, આરોપી પોલીસ હેડ કોન્સ્ટેબલ શીતલ પ્રજાપતિ દ્વારા ફરિયાદી પાસે વ્યવસાય ચાલુ રાખવા અથવા હેરાનગતિ ન કરવાના બહાને 30,000 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે જાગૃત નાગરિક તરીકે નવસારી એ.સી.બી.નો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદીની વાત સાંભળ્યા બાદ એ.સી.બી. દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. 1 જાન્યુઆરી, 2026ના રોજ આયોજન મુજબ, અંત્રોલી ગામના ભૂરી ફળિયા પાસે જાહેર રોડ પર લાંચની રકમ આપવાનું નક્કી થયું હતું. જ્યારે ફરિયાદી અને આરોપી વચ્ચે વાતચીત થઈ અને આરોપીએ ખાતરી કર્યા બાદ 30,000 રૂપિયા સ્વીકારી ત્યારે જ ત્યાં વોચમાં ગોઠવાયેલી એ.સી.બી.ની ટીમે ત્રાટકીને આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો.
આ સફળ ટ્રેપ નવસારી એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. રાઠવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન સુરત એકમના મદદનીશ નિયામક આર.આર. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. એ.સી.બી.એ સ્થળ પરથી લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી છે અને આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


