અમદાવાદ, 8 જાન્યુઆરી 2026: Mobile phone found with prisoner in high security zone of Sabarmati Jail શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ પાસેથી અવાર-નવાર મોબાઈલ ફોન પકડાતા હોય છે. કેદીઓનું સમાયંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે, છતાંયે કેદીઓ મોબાઈલ ફોન ઘૂંસાડવામાં સફળ રહેતા હોય છે. સાબરમતી જેલના પાક કામના કેદી અને કુખ્યાત ગુનેગાર વિશાલ ગોસ્વામી પાસેથી આઇફોન અને એક કીપેડ ફોન મળી આવતા જેલ અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા.
સાબરમતી જેલના હાઈ સિક્યુરિટી ઝોનમાં પાકા કામના કેદી અને રિઢો ગુનેગાર વિશાળ ગોસ્વામી પાસેથી આઇફોન અને એક કીપેડ ફોન મળી આવ્યો હતો. જ્વેલર્સ પર ફાયરિંગ અને ખંડણી જેવા ગંભીર ગુનામાં સજા ભોગવી રહેલા વિશાલ ગોસ્વામી પાસેથી મોબાઈલ મળી આવતા જેલ તંત્ર સામે પણ સવાલો ઊઠ્યા છે. વિશાલ ગોસ્વામીને હાઈ સિક્યુરિટી ઝોનમાં રાખ્યો હોવા છતાં વિશાલ ગોસ્વામી પાસેથી 2 ફોન અને એક સીમકાર્ડ કઈ રીતે પહોચ્યા તે તપાસનો વિષય છે. આ અંગે રાણીપ પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
સૂત્રોના કહેવા મુજબ સાબરમતી સેન્ટ્રલ જેલના ઇન્ચાર્જ જેલર મોહસીન ખાન પઠાણ જુની જેલમાં હાઈ સિક્યુરિટી વિભાગમાં તપાસ કરવા ગયા હતા ત્યારે ખોલી નંબર 1માં વિશાલ ગોસ્વામીની ખોલી તપાસી હતી ત્યારે છતનો ભાગ તૂટેલી હાલતમાં હતો જેથી શંકા જતા ખોલી સીલ કરીને વિશાલ ગોસ્વામીને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઝડતી સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે છતના તૂટેલા ભાગમાંથી બાખું પડેલું હતું. બાખામાં તપાસ કરતા બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા જેમાં એક આઇફોન અને એક કીપેડ ફોન મળી આવ્યો હતો.આ ઉપરાંત VI અને એરટેલ કંપનીનું સીમકાર્ડ પણ મળી આવ્યું હતું.તપાસ દરમિયાન મોબાઈલ,સીમકાર્ડ સહિત મેમરી કાર્ડ,ચાર્જર મળી આવ્યું હતું.આ તમામ વસ્તુઓ કબ્જે કરીને રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


