ઉત્તર ગુજરાત રબારી સમાજ દ્વારા 11 મુદ્દાનું નવું બંધારણ, લગ્નમાં DJ, ફટાકડા પર પ્રતિબંધ
ડીસા, 26 જાન્યુઆરી 2026: જિલ્લામાં રબારી સમાજ દ્વારા યોજાયેલા મહાસંમેલનમાં 11 મુદ્દાઓનું બંધારણ બનાવવામાં આવ્યું હતું. રબારી સમાજના મહા સંમેલનમાં સમાજના નવા બંધારણને આગેવાનો સહિત ઉપસ્થિત લોકોએ અનુમતી આપી હતી. લગ્ન મરણ અને જન્મ પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓ પર અંકુશ લાવવા માટે રબારી સમાજ દ્વારા ડીસાના સમસેરપુરા ગામ ખાતે મહાસંમેલન યોજી અને તેમાં સમાજ માટે નવું બંધારણ જાહેર કરવામાં આવ્યુ હતું.
બનાસકાંઠા જિલ્લામાં થોડાક દિવસો પહેલા ઠાકોર સમાજે મહાસંમેલન યોજીને અલગ બંધારણ બનાવ્યું હતું. સમાજના ખોટા ખર્ચાઓ ઉપર રોક લગાવી હતી, ત્યારબાદ જાગીરદાર રાજપુત સમાજ દ્વારા પણ પોતાનું બંધારણ બનાવવામાં આવ્યું હતુ, ત્યારે હવે રબારી સમાજે પણ આજે ઉત્તર ગુજરાતના સમાજના તમામ આગેવાનો સાથે મળીને રબારી સમાજનું 11 મુદ્દાઓનું નવું બંધારણ બનાવ્યું છે. રબારી સમાજ શિક્ષણ તરફ આગળ વધે અને સમાજ વિકસિત થાય તે દિશામાં આગેવાનો પ્રયાસો કરી રહ્યા છે. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીની અધ્યક્ષતામાં તમામ આગેવાનોએ એક મંચ પર એકત્ર થઈ સમાજ માટે આ બંધારણ અમલમાં મૂક્યું છે.
રબારી સમાજના નવા બંધારણ મુજબ, સમાજમાં દીકરા-દીકરીને એક સમાન સમજવા કોઈ ભેદભાવ કરવો નહી, જન્મ પ્રસંગે ખોળ ભરવાની રસમ અને પરંપરાને સાદગીથી કરવી તેમજ ખોટા ખર્ચાઓ ન કરવા માટે બંધારણમાં જણાવવામાં આવ્યું છે. સગાઈમાં પણ મર્યાદિત રકમ સિવાય કોઈ ભેટ દાગીના ન આપવા સાથે જ લગ્નમાં ડીજે અને ફટાકડા ફોડવા સહિતના ખોટા ખર્ચાઓ બંધ કરી મર્યાદિત મહેમાનો સાથે સાદુ ભોજન બનાવી લગ્ન પ્રસંગ કરવા માટે બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રબારી સમાજના યુવાનો શિક્ષણ તરફ આગળ વધે તે માટે શિક્ષણમાં ફંડ આપી પ્રોત્સાહિત કરવા માટે પણ બંધારણમાં મુદ્દો ટાંકવામાં આવ્યો છે. છૂટાછેડા સમયે સમાજની સંમતિ રજૂ કરી સમાધાન કરવાનો પ્રયાસ કરવા માટે તેમજ બાળકોની મિલકતનો ન્યાયસંગત નિર્ણય કરી દંડની રકમ શિક્ષણ ફંડમાં જમા કરાવવા માટે સમાજના સર્વ લોકોની સંમતિથી બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સમાજની દીકરા-દીકારીઓને ઉચ્ચ શિક્ષણ આપવા માટે ફરજિયાત અપીલ કરવામાં આવી છે. હોશિયાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે અને સહાય આપવા માટે પણ સમાજ આગળ આવે તેવું બંધારણમાં જણાવવામાં આવ્યું છે.
આ મહાસંમેલનમાં પાટણ, બનાસકાંઠા, વાવ, થરાદ 3 જિલ્લા સહિત રાજસ્થાનના સમાજના આગેવાનો અને લોકો હજારોની સંખ્યામાં મહાસંમેલનમાં જોડાયા હતા. સમાજને મજબૂત બનાવવા માટે એક સમાજ એક રિવાજના ઘડાયેલા બંધારણમાં સમાજના સર્વ લોકોએ પોતાની સંમતિ આપી છે.


