ગાંધીનગર, 28 જાન્યુઆરી 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વમાં રાજ્યની જનતા માટે રોડ-રસ્તા સહિતની શ્રેષ્ઠ માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેના ભાગરૂપે અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા મહત્વના એવા અમદાવાદ-મહેસાણા વચ્ચેના ૫૧ કિમીના હાઇવેને રૂ. ૨,૬૩૦ કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થવાથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ તથા બનાસકાંઠા જિલ્લાની પ્રજાને આ સુવિઘાનો લાભ મળવાની સાથે વર્ષો જૂની માંગ સંતોષાશે તેમ, પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
પ્રવક્તા મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે, અડાલજથી પાલાવાસણા સર્કલ, મહેસાણા સુધીના કુલ ૫૧.૬૦ કિ.મી.ના માર્ગને આઠ માર્ગીય કરાશે. અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા આ હાઇવેને વર્ષ ૧૯૯૯માં ચાર માર્ગીય બનાવવામાં આવ્યો હતો. જેમાં રસ્તાની સળંગ લંબાઈમાં રસ્તાની બંને બાજુ સર્વિસ રોડની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તાજેતરના ટ્રાફિક સર્વે મુજબ એક દિવસમાં અંદાજે કુલ ૧ લાખથી વધારે વાહનો આ માર્ગ ઉપર અવર જવર કરે છે. જેથી રસ્તા પરના ટ્રાફિક ભારણને ધ્યાને લઇ હયાત ચાર માર્ગીય રસ્તાને આઠ માર્ગીયકરણ કરવાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં મુખ્ય રસ્તાને આઠ માર્ગીયકરણ તથા રસ્તાની બંને બાજુ ૭.૦૦ મીટર પહોળા સર્વિસ રોડ બનાવવામાં આવશે જેથી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણની સાથે ઝડપી અને સલામત પરિવહન શક્ય બનશે.
પ્રવક્તા મંત્રીએ પ્રોજેક્ટ અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, અમદાવાદ-મહેસાણા માર્ગ વચ્ચે આવતા કલોલ શહેરના ટ્રાફિકનું ભારણ ઘટાડવા શહેરમાંથી પસાર થતી લંબાઈમાં સામાવિષ્ટ પાંચ ઓવરબ્રિજ/ ફ્લાય ઓવરને જોડતો કુલ ૬.૧૦ કિ.મી. લંબાઈનો એલીવેટેડ કોરિડોરને તૈયાર કરાશે. જેથી સ્થાનિક શહેરના આંતરિક ટ્રાફિકના કોઇપણ અવરોધ વિના હાઇવે પરનો ટ્રાફિક પસાર થઇ શકે. વધુમાં રસ્તા પરના તમામ બ્રિજ સ્ટ્રકચર/પાઈપ કલવર્ટ/બોક્ષ કલવર્ટને આઠ માર્ગીય કરવાની કામગીરી કરવામાં આવશે.
પ્રવક્તા મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે, આ ઉપરાંત આઠ ફલાયઓવરમાં મુખ્યત્વે શેરથા ખાતે બે, રાજપુર ભાસરીયા, જગુદણ, મેવડ ખાતે મળી કુલ ૬ નવા ફલાયઓવર જયારે કલોલ અને છત્રાલ ખાતે વઘારાના ચાર માર્ગીય ફલાયઓવર બનશે. વધુમાં આઠ સ્થળોએ અંડરપાસ બનાવવામાં આવશે. જેમાં શેરથા પાસે બે, ઇફકો કલોલ પાસે ૧, કલોલ શહેર ખાતે બે, છત્રાલ પાસે ૧ અને નંદાસણ અને ગણેશપુરા પાસે એક-એક અંડરપાસ બનશે. જ્યારે હયાત કલોલ આર.ઓ.બી.ની બાજુમાં નવો વઘારાનો ચાર માર્ગીય આર.ઓ.બી. બનશે. આ પ્રોજેક્ટની કામગીરીના ટેન્ડર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. આ ટેન્ડરની મંજૂરી બાદ બે વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.


