જૂનાગઢ, 28 જાન્યુઆરી 2026: ગરવા ગિરનાર પર્વત પર આજે વહેલી સવારથી પવનની ગતિમાં વધારો થતા રોપવે સેવા બંધ કરવામાં આવી છે. રોપવે સેવા બંધ કરતા અનેક પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. હવામાનમાં આવેલા પલટા અને ગિરનાર પર્વત પર ફૂંકાતા ભારે પવનને કારણે ‘ગિરનાર રોપ-વે’ મેનેજમેન્ટ દ્વારા ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવી હતી. અંતે, સુરક્ષાના માપદંડોને પ્રાથમિકતા આપીને આજે વહેલી સવારથી જ રોપ-વેની કામગીરી બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગિરનાર પર્વત પર વાતાવરણના પલટા હાદ ભારે પનવ ફુકાંઈ રહ્યો છે. ભારે પવનને લીધે રોપવે સેવાને અસર થઈ છે. ઊંચાઈ પર પવનની ગતિ વધુ હોય ત્યારે ટ્રોલીઓ ચલાવવી જોખમી સાબિત થઈ શકે છે. મેનેજમેન્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રવાસીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું જોખમ ખેડી શકાય તેમ નથી. ભારે પવનને કારણે ટ્રોલીમાં બેઠેલા પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તે હેતુથી વહીવટી તંત્ર અને મેનેજમેન્ટ દ્વારા પરસ્પર સહમતીથી આ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. અંબાજી માતાના દર્શનાર્થે અને ગિરનારની સુંદરતા નિહાળવા આવેલા હજારો પ્રવાસીઓમાં આ નિર્ણયને કારણે નિરાશા જોવા મળી રહી છે. ઘણા યાત્રિકો રોપ-વે ટિકિટ બારી અને સ્ટેશન પર પહોંચ્યા બાદ સેવા બંધ હોવાના સમાચાર મળતા પરત ફર્યા હતા. જોકે, મોટાભાગના પ્રવાસીઓએ સુરક્ષાના આ નિર્ણયને આવકાર્યો પણ છે.
મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર પવનની ગતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પર્વત પર પવનની ગતિ સામાન્ય થતા અને વાતાવરણ અનુકૂળ જણાતાની સાથે જ રોપ-વે સેવા ફરીથી કાર્યરત કરવામાં આવશે. યાત્રિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ મુલાકાત લેતા પહેલા સ્થાનિક પૂછપરછ કેન્દ્ર પર સંપર્ક કરીને રોપ-વે શરૂ છે કે નહીં તેની ખાતરી કરી લે.


