1. Home
  2. Agency
  3. News
  4. છેવટે દિલ્હીમાં પણ TMCનું નામું નખાઈ ગયું, પક્ષના 20 સાંસદોએ અલગ ચૉકો કર્યો
છેવટે દિલ્હીમાં પણ TMCનું નામું નખાઈ ગયું, પક્ષના 20 સાંસદોએ અલગ ચૉકો કર્યો

છેવટે દિલ્હીમાં પણ TMCનું નામું નખાઈ ગયું, પક્ષના 20 સાંસદોએ અલગ ચૉકો કર્યો

0
Social Share

નવી દિલ્હી/કોલકાતા, 8 જૂન 2026: છેવટે દિલ્હીમાં પણ મમતા બેનરજીનો ભારે આંચકો લાગ્યો છે. તેમના પક્ષ TMCના 20 સાંસદોએ અલગ થઈને સત્તાધારી એનડીએને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે.

પશ્ચિમ બંગાળમાં ધારાસભ્યોના વિદ્રોહ બાદ હવે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને તેના જ સાંસદોએ પણ મોટો ઝટકો આપ્યો છે. મળતી માહિતી મુજબ, લોકસભાના 20 સાંસદોએ સ્પીકરને એક પત્ર લખ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ સાંસદો ટૂંક સમયમાં જ એક અલગ પક્ષ પણ બનાવી શકે છે.

આ પહેલાં પશ્ચિમ બંગાળમાં પણ ધારાસભ્યોએ તૃણમૂલ કોંગ્રેસથી અલગ થઈને નવા જૂથની જાહેરાત કરી હતી. નોંધપાત્ર છે કે મમતા બેનર્જી પોતે પણ દિલ્હીમાં જ હાજર છે. તેઓ ત્યાં વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિ બ્લોક’ ની બેઠકમાં ભાગ લેવા માટે ગયા છે. જો કે, દિલ્હી પહોંચ્યા બાદ મમતા બેનર્જી પોતાના સાંસદોની સ્થિતિની સમીક્ષા કરવાના હતા, પરંતુ તે પહેલાં જ પાર્ટીના 20 સાંસદોએ બળવો પોકારી દીધો છે.

આ પણ વાંચોઃ TMCના વરિષ્ઠ સાંસદ સુખેન્દુ શેખર રોયનું રાજીનામું, મમતા સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

અસંતુષ્ટ સાંસદોએ સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો

તૃણમૂલ કોંગ્રેસના 20 થી વધુ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે, જેના કારણે પાર્ટીની અંદર ચાલી રહેલી બળવાની અટકળો વધુ તેજ બની ગઈ છે. અહેવાલો મુજબ, આ સાંસદો લોકસભામાં એક અલગ જૂથ અથવા તો એક નવો રાજકીય પક્ષ બનાવવાની દિશામાં વિચારી રહ્યા છે, કારણ કે પક્ષપલટાના કાયદાથી બચવા માટે તેમની પાસે પૂરતી સંખ્યા હોવાનું કહેવાય છે. લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસનો એક અલગ બ્લોક (જૂથ) ટૂંક સમયમાં જ અસ્તિત્વમાં આવી શકે છે, જો કે આ અંગેનો અંતિમ નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે.

ભાજપના નેતૃત્વવાળા NDA ને આપશે સમર્થન

બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે આ મામલે મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, “મારા સહિત તૃણમૂલ કોંગ્રેસના આશરે 20 સાંસદોએ ભાજપના નેતૃત્વવાળા એનડીએ (NDA) ગઠબંધનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.” તેમણે ઉમેર્યું કે, તૃણમૂલ કોંગ્રેસના 20 સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને સત્તાવાર પત્ર લખીને એનડીએ સાથે જોડાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “અમે બંગાળની વિધાનસભા ચૂંટણીનાં પરિણામોનો સ્વીકાર કરી લીધો છે અને અમારું માનવું છે કે અમારો ભવિષ્યનો રાજકીય માર્ગ એનડીએ સાથે જ નક્કી થવો જોઈએ.”

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં હવે આયુષ્માન ભારત યોજના લાગુ થશે

ટીએમસી સાંસદોની દિલ્હીમાં ગુપ્ત બેઠક

વાસ્તવમાં, પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ત્યારથી જ તૃણમૂલ કોંગ્રેસમાં ભારે રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. બંગાળથી શરૂ થયેલી આ રાજકીય ધમાસાણની અસર હવે દિલ્હી સુધી પહોંચી ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી જ્યારે ઇન્ડિયા બ્લોકની બેઠક માટે દિલ્હી પહોંચ્યા, બરાબર એ જ સમયે પાર્ટીના કેટલાક બળવાખોર સાંસદોએ દિલ્હીમાં એક ગુપ્ત બેઠક યોજી હતી. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અનૌપચારિક બેઠકમાં અંદાજે 20 સાંસદો હાજર રહ્યા હતા. અને હવે આ પૈકીના 20થી વધુ સાંસદોએ સ્પીકર ઓમ બિરલાને પત્ર પણ મોકલી આપ્યો છે.

વિધાનસભામાં પણ ટીએમસી ધારાસભ્યોનો અભૂતપૂર્વ વિદ્રોહ

સૂત્રોએ જણાવ્યું કે, રવિવારની બેઠકમાં સામેલ થયેલા કેટલાક સાંસદો સોમવારે પણ એકબીજાના સંપર્કમાં રહ્યા હતા અને દિલ્હીમાં આવેલી એક કેન્દ્રીય સરકારી ઓફિસમાં આગળની વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી. આ બેઠકના સમયને કારણે તેનું રાજકીય મહત્ત્વ ઘણું વધી ગયું છે. આ ઘટનાક્રમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પક્ષના પરાજય બાદ ટીએમસીના ધારાસભ્ય દળમાં થયેલા અભૂતપૂર્વ બળવાના થોડા જ દિવસો બાદ સામે આવ્યો છે. ટીએમસીના સર્વોચ્ચ નેતૃત્વ માટે સૌથી મોટો ઝટકો એ હતો કે પક્ષના 58 ધારાસભ્યોએ વિપક્ષના નેતાપદ માટે ઋતબ્રત બેનર્જીને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું અને પક્ષના સત્તાવાર ઉમેદવાર શોવનદેબ ચટ્ટોપાધ્યાયના નામને ફગાવી દીધું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code