Homerevoinewsલોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન હેઠળ રાજકોટમાં ભાજપનું વિશાળ શક્તિપ્રદર્શન

લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન હેઠળ રાજકોટમાં ભાજપનું વિશાળ શક્તિપ્રદર્શન

રાજકોટ, 28 ઑક્ટોબર, 2026 – ‘Save Democracy, Remove Anarchy’ campaign ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન-૨૦૨૬’ અંતર્ગત આજે ૨૭ ઓક્ટોબર, મંગળવારે રાજકોટ ખાતે ભાજપા પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચુઘજી તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં વિશાળ પદયાત્રા યોજાઈ હતી. પદયાત્રાનું પ્રસ્થાન રાજકોટ બહુમાળી ભવન સ્થિત સરદાર પટેલની પ્રતિમા પાસેથી થયું હતું.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, પ્રદેશ સહ પ્રભારી શ્રી અજય મહાવરજી, પ્રદેશ સહ સંગઠન મહામંત્રી શ્રી અરુણ બિન્નાડીજી, પ્રદેશ મહામંત્રી શ્રી અનિરૂદ્ધભાઈ દવે, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી કૌશિકભાઈ વેકરિયા, શ્રીમતી રિવાબા જાડેજા, ભાજપાના વરિષ્ઠ નેતા તથા સાંસદ શ્રી પરસોત્તભાઇ રૂપાલા, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ભાજપાના આગેવાનો, સંગઠનના પદાધિકારીઓ, અભિયાનની ટીમ, અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

BJP stages massive show of strength in Rajkot under the 'Save Democracy, Remove Anarchy' campaign.
BJP stages massive show of strength in Rajkot under the ‘Save Democracy, Remove Anarchy’ campaign.

પદયાત્રા દરમિયાન ‘ લોકતંત્રનો હુંકાર, અરાજકતાની હાર, કોંગ્રેસનો હાથ ઘુષણખોરોના સાથ‘, ‘લોકતંત્રનું અપમાન, નહિ સહે હિન્દુસ્તાન‘ સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા।

ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચુઘજીએ પદયાત્રાના પ્રસ્થાન પૂર્વે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશમાં જ્યારે પણ લોકતંત્ર ખતરામાં આવ્યું છે ત્યારે ભાજપાનો કાર્યકર્તા લોકતંત્રના પ્રહરી તરીકે રસ્તા પર ઉતર્યો છે. રાહુલ ગાંધીનાં દાદી શ્રીમતી ઇન્દિરા ગાંધીજીએ દેશમાં તાનાશાહી લાદીને ઇમરજન્સી લાગુ કરી ત્યારે કાર્યકર્તાઓ દેશના લોકતંત્રને બચાવવા રસ્તા પર ઉતર્યા હતા અને જેલ ભરી દીધી હતી, પરંતુ દેશના લોકતંત્રને નબળું પડવા દીધું નહોતું. ઇન્દિરા ગાંધીનો તાનાશાહીનો વિચાર પણ કાર્યકર્તાઓના દિલમાંથી લોકતંત્રના પ્રહરી તરીકેની ભૂમિકા દૂર કરી શક્યો નહોતો.

આ પણ વાંચોઃ ભાજપ દ્વારા લોકતંત્ર બચાવો પદયાત્રા, કેન્દ્રિય મંત્રી નડ્ડા, સીએમ સહિત આગેવાનો જોડાયા

શ્રી તરુણ ચુઘજીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે રાહુલ ગાંધી અને ઇન્ડિ ગઠબંધનના નેતાઓ દેશના લોકતંત્રને નબળું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકતંત્રને પડકારવામાં આવે છે, દેશના ન્યાયતંત્ર પર દબાણ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. દેશની સંવૈધાનિક વ્યવસ્થા પર દબાણ લાવવાના આવા પ્રયાસો સાંખી લેવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું હતું કે, દેશના લોકતંત્રનો એક મહત્ત્વપૂર્ણ અંગ ચૂંટણી પંચ છે, જે ચૂંટણી પ્રક્રિયા અને મતદારોના અધિકારોની સુરક્ષામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા (SIR) દરમિયાન ગેરલાયક નામો દૂર કરવાની પ્રક્રિયાને લઈને પણ કોંગ્રેસ દ્વારા રાજકીય વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી આ પ્રક્રિયા અંગે બેબુનિયાદ સવાલો ઉઠાવી રહ્યા છે.

શ્રી ચુઘજીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશની જનતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. કોંગ્રેસ થોડા લોકોની ભીડ દિલ્હીમાં લઈ જઈને દેશને ડરાવવા અને લોકતંત્રને દબાવવાનો પ્રયાસ કરો છે, પરંતુ ભારતનું લોકતંત્ર મજબૂત છે. તે ડરશે નહીં અને નમશે નહીં.

કોંગ્રેસ પર રાજકીય કટાક્ષ કરતાં શ્રી તરુણ ચુઘજીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ક્યારેક કહે છે કે SIRના કારણે ચૂંટણીમાં હાર થઈ, તો ક્યારેક EVMના કારણે હાર થઈ. પરંતુ જ્યારે કેરળ અને તમિલનાડુમાં કોંગ્રેસ કે તેના સાથી પક્ષોને જીત મળે છે, ત્યારે શું SIR અને ચૂંટણી પંચ બરાબર હોય છે? અને જ્યારે દેશની જનતા તેમને હરાવે છે ત્યારે એ જ વ્યવસ્થા ખોટી કેવી રીતે થઈ જાય છે? કોંગ્રેસે પોતાની હાર માટે વારંવાર બહાનાં શોધવાને બદલે જનતાના નિર્ણયને સ્વીકારવો જોઈએ.

તેમણે કોંગ્રેસ પર વધુ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, જે મુસ્લિમ લીગ દેશના વિભાજન સાથે સંકળાયેલી હતી, તેના પ્રભાવ હેઠળ રાહુલ ગાંધી કામ કરી રહ્યા છે. રાહુલ ગાંધી વિદેશી ટૂલકિટના ઇશારે ભારતને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. દેશની સંસ્થાઓ સામે પાયાવિહોણા આક્ષેપો કરી અવિશ્વાસ ઊભો કરવાના અને ભારતની લોકશાહી વ્યવસ્થાને નબળી પાડવાના આવા પ્રયાસોનો ભાજપા કાર્યકર્તાઓ સખત વિરોધ કરશે.

અંતમાં શ્રી તરુણ ચુઘજીએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓને લોકતંત્રના પ્રહરી ગણાવતાં જણાવ્યું હતું કે, અહીં ઉપસ્થિત જનમેદની એ હૂંકાર ભરી રહી છે કે અરાજકતા ફેલાવીને ભારતને ડરાવવાનો પ્રયાસ ન કરો. આ ભારત નવું ભારત છે, આ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનું ભારત છે. ભારતનું લોકતંત્ર મજબૂત છે અને દેશની જનતા લોકશાહી મૂલ્યો, રાષ્ટ્રીય હિત તથા સંવિધાનિક સંસ્થાઓની ગરિમાની રક્ષા માટે અડીખમ ઊભી રહેશે.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આ પ્રસંગે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી દેશમાં કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા અરાજકતા ફેલાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. હાર થી બોખલાયેલી રાહુલ ગાંધી એન્ડ કંપની વારંવાર દેશમાં અરાજકતા ફેલાવવાનું કામ કરી રહી છે. એક તરફ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર ભારતને આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આગળ વધારી રહ્યા છે, દેશના યુવાનો શિક્ષિત બને, યુવાનો જોબ ગીવર બને અને દેશમાં ગરીબી દૂર થાય તે માટે કામ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ દેશની શાંતિ ડહોળવાનું કામ કરી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવું ભારત દેશને આપ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના યુવાનોને સાચો માર્ગ બતાવી રહ્યા છે. આજે યુવાનોએ દેશમાં પાણી વગરની કપરી સ્થિતિ જોઈ નથી, યુવાનોએ વીજળી વગરનાં ગામડાં જોયાં નથી, રોડ-રસ્તાઓની અછત જોઈ નથી અને દેશમાં ધમાલ તથા કર્ફ્યુની સ્થિતિ જોઈ નથી, યુવાનોએ માત્ર વિકાસની રાજનીતિ જોઈ છે.

કોંગ્રેસ પર રાજકીય કટાક્ષ કરતાં શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ચારેય બાજુ હાર ભાળી ગયેલી કોંગ્રેસ વારંવાર કોઈને કોઈ બહાને દેશની શાંતિ ડહોળવાનું કામ કરે છે. રાહુલ ગાંધી એન્ડ કંપની દ્વારા વારંવાર અરાજકતા ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દેશની જનતા કોંગ્રેસનું આ કૃત્ય સહન નહીં કરે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગસ્થ પિતાશ્રી અંગે કરવામાં આવેલી ટિપ્પણીનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ હવે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહી છે. પ્રધાનમંત્રીશ્રીનાં માતુશ્રી, પિતાશ્રી કે પરિવારજનો અંગે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો કોંગ્રેસને શોભતું નથી. રાજકીય વિરોધની પણ એક મર્યાદા હોય છે. કોંગ્રેસના નેતાઓએ જાહેર જીવનમાં ભાષાની મર્યાદા જાળવવી જોઈએ. દેશની જનતા આવી માનસિકતા ધરાવતા લોકોને ક્યારેય માફ નહીં કરે. ગુજરાતની જનતાએ છેલ્લા ૩૧ વર્ષથી કોંગ્રેસને સત્તાથી દૂર રાખી છે. દેશની જનતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે છે અને દેશ વિકાસની રાજનીતિ સાથે આગળ વધી રહ્યો છે.

આ પદયાત્રામાં ધાર્મિક અગ્રણીઓ, વિવિધ સમાજના આગેવાનો, વેપારી એસોસિયેશનના પ્રતિનિધિઓ, મહિલાઓ, એનજીઓના પ્રતિનિધિઓ અને પ્રબુદ્ધ નાગરિકો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતાં.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular