અમદાવાદ,19 જાન્યુઆરી 2026: શહેરના સોલા રોડ પરના ભૂયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી નેશનલ સ્કૂલની બહાર આજે સવારે ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ભરબજારમાં થયેલા આ હુમલાને પગલે સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. શાળામાં જ ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ જૂની તકરારની અદાવતને આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલ જેવી જ ઘટના નારણપુરાની નેશનલ સ્કૂલ બહાર બની છે. આજે સ્કૂલ બહાર ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ હુમલા પાછળ જૂનો ઝઘડો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. નેશનલ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વિદ્યાર્થીઓનું ટોળું એક વિદ્યાર્થીને લાકડી અને પટ્ટા વડે મારી રહ્યું છે. સ્કૂલની 100 મીટરના અંતરમાં જ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 3 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગવોરના દૃશ્યો જોઈ કોઈ ન કહે કે આ ધો.10ના વિદ્યાર્થીઓ હશે.
આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સ્કૂલની બહાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. હાલમાં આ મામલે આગળની કાર્યવાહી ચાલી રહી છે. એ ડિવિઝનના ACP જયેશ બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે, નેશનલ સ્કૂલ પાસે વિદ્યાર્થીઓ અંદરોઅંદર ઝઘડ્યા હોવાની પોલીસને માહિતી મળી હતી. જેથી તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થળ પર જઈને તપાસ કરતા ખબર પડી કે ગેટની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી.


