
- આગની જાણ થતાં 12 બંબાઓ સાથે ફાયરપાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા
- 9 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો
- આગમાં કોઈ જાનહીની નહીં
ભરૂચઃ જિલ્લામાં આગના બનાવો વધતા જાય છે. હજુ ગઈ કાલે અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોદામમાં ભીષણ આગ લાગ્યા બાદ ગત મધરાત બાદ જબુંસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક આવેલી ડ્રમ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી.પરોઢે ચાર વાગ્યાના અરસામાં પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી આ કંપનીમાં અચાનક લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના બનાવની જાણ થતાં જ 12 બંબાઓ સાથે ફાયર ફાયટરો દોડી આવ્યા હતા. અને સતત પાણીનો મારો ચલાવીને નવ કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ભરૂચના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક આવેલી ડ્રમ બનાવતી કંપનીમાં મધરાત બાદ ભીષણ આગ ફાટી નિકળી હતી. આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ભીષણ આગ હોવાથી આસપાસના વિસ્તારમાંથી કુલ 12 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પ્લાસ્ટિકના ડ્રમ બનાવવાની ફેક્ટરી હોવાના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયર ફાઈટર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ બનાવની જાણ થતાં જ પોલીસ તંત્ર, મામલતદાર અને રેવન્યુ સ્ટાફ સહિતના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ભીષણ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી અને આગથી થયેલા નુકસાનનો અંદાજ હજુ લગાવી શકાયો નથી. જંબુસર મામલતદાર એન.એસ.વસાવાએ જણાવ્યું હતું કે, લગભગ મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યાથી ચાર વાગ્યાના અરસામાં આગ લાગી હતી. બેરલ બનાવવાની કંપની છે, પ્લાસ્ટિકનું મટીરિયલ હતું. નજીકની કંપનીઓના ફાયર ફાઇટરોની મદદ લીધી હતી. પોલીસ ટીમ અને મેડિકલ ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. આગમાં કોઇ જાનહાનિ થઇ નથી પરંતુ કંપનીને મોટું નુકસાન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચના અંકલેશ્વરમાં ગઈકાલે સ્ક્રેપના ગોડાઉનમાં પણ ભીષણ આગનો બનાવ બન્યો હતો અંકલેશ્વરમાં નેશનલ હાઇવે 48 નજીક આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં પણ ભીષણ આગ લાગી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતાં હોવાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર DPMCના ત્રણ ફાયર ફાઇટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગ આસપાસના ગોડાઉનમાં પ્રસરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. નોટિફાઇડ એરિયા ઓથોરિટીના પાંચ ફાયર ટેન્ડરની મદદથી મોડી રાત્રે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.