- ખેડૂતની વાડીમાં રહેલો ખુલ્લો કૂવો ફરી વન્યજીવ માટે જોખમી સાબિત થયો,
- વન વિભાગે ભારે જહેમત બાદ સિંહનું રેસ્ક્યુ કર્યુ,
- સિંહને પાંજરે પુરીને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી અપાયો
જુનાગઢઃ સોરઠ પંથકમાં સીમ-વાડી વિસ્તારમાં ખૂલ્લા કૂવાઓને કારણે વન્ય પ્રાણીઓ પડી જવાના બનાવો અવાર-નવાર બની રહ્યા છે. ત્યારે જિલ્લાના માંગરોળ નજીક આવેલા ખોડાદા ગામની સીમમાં એક ખેડૂતની વાડીમાં રહેલો ખુલ્લો કૂવો ફરી એકવાર વન્યજીવ માટે જોખમી સાબિત થયો હતો. સદભાગ્યે, આ ઘટનામાં કૂવામાં ખાબકેલા એક સિંહનો સમયસર સહી સલામત રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, માંગરોળ નજીક આવેલા ખોડાદા ગામની સીમમાં હરદાસભાઈ ગરચર નામના ખેડૂતની વાડી આવેલી છે. વાડીમાં આવેલો કૂવો ખુલ્લો હતો અને તેની આસપાસ ઘાસ ઉગી ગયું હતું. સંભવતઃ, ઘાસને કારણે સિંહ કૂવાની હાજરી પારખી શક્યો નહીં અને અચાનક કૂવામાં ખાબક્યો હતો. કૂવામાં સિંહ ખાબકીયાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગુલાબબેન સુહાગિયાએ વાતચીતમાં જણાવ્યું હતું કે માંગરોળ નજીક ખોડાદા ગામની સીમમાં હરદાસભાઈ ગરચરની વાડીમાં આવેલા ખુલ્લા કૂવામાં સિંહ ખાબક્યો હતો. વન વિભાગે તાત્કાલિક સિંહનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેને સારવાર માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યો છે, જ્યાં તેની દેખરેખ અને સારવાર ચાલી રહી છે.
આ ઘટનાએ ફરી એકવાર ગીર અને આસપાસના વિસ્તારમાં આવેલા ખેતરોમાંના ખુલ્લા કૂવાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ખુલ્લા કૂવાઓમાં વન્યજીવ ખાસ કરીને સિંહ પડવાની ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં, કાયદેસરની કાર્યવાહી કેમ થતી નથી ? ત્યારે હાલ વન વિભાગના અધિકારીઓને સરકારના પરિપત્રનો ખ્યાલ છે કે નહીં તે સવાલ ઉભો થયો છે.


