
- હાઈવે પર છાપરી નજીક ભેખડો પડતા એક માર્ગ બંધ કરવા પડ્યો,
- રાજસ્થાન પોલીસે દોડી આવી
- જેસીબીની મદદથી પથ્થરો હટાવાયા
પાલનપુરઃ આબુરોડ-અંબાજી હાઈવે પર છાપરી નજીક ભેખડો ધસી પડતા હાઈવેનો એક તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી.. અંબાજીથી આબુરોડ હાઈવે માર્ગ પર પહાડથી ભેખડો ધસી આવતા રોડ પર મોટા મોટા પથ્થરો આવી ગયા હતા. છાપરી નજીક પહાડ ઉપરથી ભેખડો પડતા રોડ પરથી પસાર થતા વાહનચાલકો દ્વારા પોલીસને જાણ કરતા રાજસ્થાન છાપરી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યાર બાદ રાજસ્થાન પોલીસે એક તરફના માર્ગને બંધ કર્યો હતો. સતત વરસાદના કારણે પહાડી વિસ્તારથી ભેખડો ધસી રહી છે.
આબુરોડ-અંબાજી સતત ટ્રાફિકથી ધમધમતો હાઈવે ગણાય છે. પહાડો વચ્ચેથી પસાર થતાં આ બાઈવે પર અવાર-નવાર ભેખડો ધસી પડવાની ઘટના બનતી હોય છે. જેમાં ખાસ કરીને વરસાદી સિઝનમાં તંત્ર દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે. છાપરી નજીક રાજસ્થાન અને ગુજરાત પોલીસની ચેકપોસ્ટ પણ આવેલી છે. જતા આવતા દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે. આ હાઈવે વળાંકવાળો હોવાથી વાહનો પણ ધીમી ગતિએ ચાલતા હોય છે.
અંબાજીથી આબુરોડ જતા માર્ગ પર ગઈકાલે ભેખડો ધસી આવી હતી. આ ફોરલેન હાઈવે માર્ગ પર આબુ, જયપુર, ઉદયપુર, જોધપુર તરફ હજારો વાહનો આ માર્ગથી પસાર થાય છે. અવારનવાર વરસાદમાં આ માર્ગ પર ભેખડો ધસી પડવાની ઘટનાઓ બનતી હોય છે. દરમિયાન આબુરોડ હાઈવે પર છાપરી નજીક પહાડમાંથી ભેખડ સાથે મોટા પથ્થરો હાઈવે પર ધસી આવ્યા હતા. જો કે રાજસ્થાન છાપરી પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરાતા મોટી દુર્ધટના થતા બચી હતી. રાજસ્થાન પોલીસ દ્વારા જેસીબી મંગાવીને પથ્થરો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, તાત્કાલિક પથ્થરો માર્ગથી હટાવી દેવામાં આવશે અને વાહન વ્યવહારને સુચારુરૂપે ફરી શરૂ કરી દેવામાં આવશે. દરમિયાન હાઈવે પર પડેલા પથ્થરોને હટાવી દેવામાં આવ્યા હતા અને રોડને ખુલ્લો કરવામાં આવ્યો હતો.