
- યુવાનોને નોકરી આપવાનું કહી ડોક્યુમેન્ટ મેળવી બેન્ક એકાઉન્ટ ખોલાયા હતા,
- બેન્ક એકાઉન્ટમાં 80 કરોડના વ્યવહાર કરાયા હતા
- યુવા અરજદારોને ઈન્કમટેક્સની નોટિસ મળતા કૌભાંડ પ્રકાશમાં આવ્યુ
વડોદરાઃ શહેરમાં છેરતપિંડી અને સાયબર ફ્રોડના એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ઠગ ટોળકીએ યુવાનોને નોકરી આપવાનું કહીને અરજીઓ મંગાવી હતી. નોકરી મેળવવા માટે અરજી કરેલા યુવાનોમાંથી ત્રણ યુવાનો પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મેળવીને ઠગ ટોળકીને તેમના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી દીધા હતા.એમાં કરોડો રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હતા, દરમિયાન યુવાનોને ઈન્કમ ટેક્સની નોટિસ મળતા આ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ અંગે છેતરપિંડીનો ભોગ બનેલા ત્રણેય યુવાનોએવડોદરા શહેર પોલીસ કમિશનરને અરજી કરી તેમની સાથે છેતરપિંડી કરાઈ હોવાની અરજી કરી હતી. આ મામલે સયાજીગંજ પોલીસે 3 યુવાનોના નિવેદન લઈને વધુ તપાસ શરૂ કરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં રહેતા શરદ આનંદભાઈ કદમ, શૈલેષભાઈ ખૂંટ અને સુનિલ ભાલેકરને વિનોદ સિંહ તથા મુકેશ રોય નામની વ્યક્તિએ નોકરી પર રાખવાનું જણાવી તેમના આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મેળવી લીધા હતા. ત્યારબાદ ત્રણેયના નામે કંપનીઓ ખોલી કરોડો રૂપિયાના વ્યવહાર કરાયા હતા અને હવાલા નેટવર્કથી વિદેશમાં પૈસા મોકલવામાં આવ્યા હોવાના આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યા છે. હાલ વડોદરામાં રહેતા શૈલેષ ખૂંટના અમદાવાદના સરનામે ઈન્કટેક્સની રૂ.18 કરોડના વ્યવહાર અંગે માહિતી પૂરી પાડવાની નોટિસ આવી છે ત્યારે તેમના ટ્રાન્ઝેક્શનની તપાસ ઈન્કમટેક્સ કરી રહ્યું છે. મુકેશ તથા વિનોદે શૈલેષના નામે કંપની ખોલી તેમાં 50થી 80 કરોડના રૂપિયાની હેરાફેરી તથા અન્યના ખાતા મારફતે હવાલા મોકલાયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તપાસમાં વધુ સ્પષ્ટતા સામે આવી શકે છે.
શહેરના પોલીસ કમિશનર 15 દિવસ અગાઉ ત્રણ અરજી મળી હતી. ત્રણ અલગ-અલગ વ્યક્તિની સહીઓ કરવામાં આવી હતી. તેમાં કેટલા કરોડોની છેતરપિંડી કરવામાં આવી હોવાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે તેમાં બેંક તરફથી GST ભર્યું હોવાના ડોક્યુમેન્ટ માગવામાં આવ્યા હતા. જોકે, અરજીમાં પણ વધુ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી ત્યારે તપાસ સયાજીગંજ પોલીસને સોંપવામાં આવી હતી. આ મામલે પોલીસે 3 અરજદારોના નિવેદન લઈને વધુ તપાસ શરૂ કરી છે.