- આરોપીએ વડોદરા, ભરૂચ, ડાકોર અને સુરતમાં ઠગાઈ કરી હતી
- આરોપી સામે 39 જેટલા ગુના નોંધાયેલા છે
- આરોપી પાસેથી 10થી વધુ એટીએમ કાર્ડ મળી આવ્યા
વડોદરાઃ આજના કોમ્પ્યુટર યુગમાં ઘણાબધા લોકો બેન્કના એટીએમમાંથી પૈસા કાઢવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. ખાસ કરીને કેટલાક સિનિયર સિટિઝન્સ એટીએમમાંથી કાર્ડ દ્વારા કેવી રીતે રૂપિયા કાઢવા તેની ખબર પડતી ન હોવાથી ગુચવાઈ જતા હોય છે. ત્યારે તકનો ફાયદો ઉઠાવીને કેટલાક ઠગ મદદ કરવાના બહાને પાસવર્ડ જાણીને એટીએમ કાર્ડ બદલી લેતા હોય છે. અને ત્યારબાદ એટીએમમાંથી રૂપિયા ઉપાડી લેતા હોય છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે એટીએમમાં પૈસા કાઢવા આવતા નાગરિકોને મદદ કરવાના બહાને કાર્ડ બદલી નાખી લાખો રૂપિયા પડાવી લેનારા રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીએ વડોદરા ઉપરાંત ભરૂચ, ડાકોર અને સુરતમાં પણ આવી જ રીતે ઠગાઈ અને ચોરી આચર્યા હતા. આરોપી પકડાતા 12 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે એટીએમ કાર્ડની ચોરી કરીને ફ્રોડ કરતા આરોપીને પકડીને તેની પૂછતાછ કરતા એવી હકિકત જાણવા મળી હતી કે, આરોપી ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને એટીએમનો ઉપયોગ કરવામાં મૂંઝવણ અનુભવતા નાગરિકોને ટાર્ગેટ કરતો હતો. પૈસા કાઢવામાં મદદ કરું એવું કહીને પીન નંબર જાણી લેતો અને હાથચાલાકીથી અસલ કાર્ડની જગ્યાએ પોતાનું ડમી કાર્ડ આપી દેતો હતો. પછી પીડિત એટીએમમાંથી બહાર નીકળે કે તરત જ અસલ કાર્ડથી પૈસા ઉપાડી લેતો હતો.
વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશના 5 , ભરૂચના 2, ડાકોર પોલીસ સ્ટેશનના એક ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતાં તે 2014થી સતત આવા ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની સામે વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નડીયાદ તથા મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનોમાં IPC 406, 420, 379 તેમજ BNSની જુદી જુદી કલમો હેઠળ 39થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. આરોપી તુષાર અનીલભાઈ કોઠારી (ઉં.વ.36), રહે. ભાયલાલ દાદાની ચાલી, ચરોતર બેંક પાસે, આણંદ, મૂળ રહે. હાથીપોળ, રાજમહેલ રોડ, વડોદરા) છે. તેની પાસેથી 10 એટીએમ કાર્ડ તથા એક ઓપ્પો મોબાઇલ ફોન મળી આવ્યા હતા.


