વડોદરા, 30 જાન્યુઆરી 2026: નેશનલ હાઈવે-48 પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર નંદેસરી નજીક ખેડા તરફથી તમિલનાડુ જઈ રહેલું લોખંડની એંગલ્સ ભરેલું ટ્રેલર સાંકરદા બ્રિજ પાસે રોંગ સાઈડમાં આવતું હતું. ત્યારે ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેલર દુર્ગા એસ્ટેટના ગેટ પાસે આવેલી ડ્રાયફ્રૂટની દુકાન પાસે ધડાકાભેર ટકરાઈ ગયું હતું. ટ્રેલરની ટક્કરથી દુકાનની બાજુના રુમની દીવાલ તૂટી પડી હતી. અને રૂમમાં આરામ કરી રહેલા અમિતકુમાર રામ નામના એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટ્રેલર ચાલકને પણ ઈજાઓ થતા તેમને પણ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રૂમમાં સૂતા અન્ય છ લોકો બહાર નીકળી જવાથી આબાદ બચી ગયા હતા.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, વડોદરા નેશનલ હાઈવે-48 પર નંદેસરી પોલીસ સ્ટેશનની હદમાં સાંકરદા બ્રિજ પાસે રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા લોખંડની એન્ગલો ભરેલું ટ્રેલર દીવાલ તોડીને દુકાનમાં ઘુંસી ગયું હતું. ઘટનાસ્થળે હાજર રહેલા વિનોદકુમારે જણાવ્યું હતું કે, “અમે કામ માટે અહીં આવ્યા હતા અને રૂમમાં સૂતા હતા. અહીં સાત લોકો હતા. અચાનક ટ્રેલર ધમાકા સાથે અહીં ઘૂસી ગયું અને બધું નીચે પડી ગયું. અમે ભાગ્યા, પરંતુ એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. તેમને હોસ્પિટલમાં ખસેડ્યા છે.”
આ બનાવની જાણ થતાં નંદેસરી પોલીસે ઘટનાસ્થળે દોડી આવીને તપાસ હાથ ધરી છે અને ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ અકસ્માતમાં કુલ બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. નેશનલ હાઈ-વે 48 પર વધતા ટ્રાફિક અને રોંગ સાઈડ ડ્રાઈવિંગને કારણે આવા અકસ્માતો વધી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. પોલીસે આ અંગે વધુ તપાસ કરી ટ્રેલર ચાલકની ભૂલ અને અન્ય કારણોની ચકાસણી કરી રહી છે.


