
- જાબુંઆ જીઈબી ફાટક પાસે સર્જાયો અકસ્માત
- બાઈકસવાર એક યુવાનને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હીથ ધરી
વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે વડોદરા નજીક હાઈવે પર જાબુઆ જીઈબી ફાટક પાસે ઈકોકાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. જ્યારે બાઈકસવાર અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો, જ્યાં તેની હાલત ગંભીર છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વડોદરા હાઈવે પર કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જાંબુવા જીઇબી કટ પાસે બાઇકચાલક સાઇડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે દરમિયાન ધડાકાભેર ઇકો કાર સાથે ટકરાતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાઇક પર પાછળ બેઠેલી વ્યક્તિ અને ઇકો કારના ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઘાયલ યુવકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં કપુરાઈ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતક યુવક ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો અને વડોદરામાં ભાડાના મકાનમાં રહેતો હતો. પોલીસે મકાનમાલિકની શોધખોળ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.