
શ્રીનગરઃ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા ઘાતક હુમલા પાછળ જવાબદાર માનવામાં આવતા લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓના ઘર દક્ષિણ કાશ્મીરમાં તોડી પાડવામાં આવ્યા છે. તેમ સત્તાવાર સૂત્રો અને સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ગુરુવાર અને શુક્રવારની રાત્રે ત્રાલ પુલવામાના મોનાઘામા વિસ્તારના આસિફ શેખ અને અનંતનાગના આદિલ હુસૈન ઠોકરના ઘરોમાં વિસ્ફોટ થયા હતા. જોકે, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ત્રાલમાં એક ઘર વિસ્ફોટક સામગ્રીની હાજરીને કારણે ખરાબ રીતે નુકસાન થયું હતું. દરમિયાન પહેલગામ હુમલામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. એક આતંકવાદીના ઘર ઉપર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવ્યું હતું.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સંડોવાયેલા સ્થાનિક આતંકવાદીઓ સામે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અનંતનાગ જિલ્લાના બિજબેહરાના ત્રાસમાં ગોરી વિસ્તારમાં એક આતંકવાદીના ઘરને બોમ્બથી ઉડાવવામાં આવ્યું હતું. જ્યારે અન્ય એક શંકાસ્પદ આતંકવાદીના ઘરને બુલડોઝર કાર્યવાહીથી તોડી પાડવામાં આવ્યું હતું. પહેલગામ હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. દક્ષિણ કાશ્મીરના ગુરીના એક ગામમાં સુરક્ષા કર્મચારીઓ સર્ચ ઓપરેશન કરી રહ્યાં હતા. આતંકવાદી આસિફ શેખના મકાનને બુલડોઝર કાર્યવાહીથી તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે આદિલનું ઘર બ્લાસ્ટમાં નાશ પામ્યું છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ત્રાલમાં સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન કેટલીક શંકાસ્પદ વસ્તુઓ જોવા મળી હતી. “સુરક્ષા દળોને ખતરો સમજાયો અને તેઓ તરત જ સલામત સ્થળે પાછા ફર્યા, પરંતુ એક મોટો વિસ્ફોટ થયો, જેનાથી ઘરને ભારે નુકસાન થયું. એવું લાગે છે કે કોઈ શંકાસ્પદ વિસ્ફોટક સામગ્રી હાજર હતી.”
પોલીસે ગુરુવારે ત્રણ હુમલાખોરોના સ્કેચ જાહેર કર્યા અને તેમની ઓળખ અનંતનાગના આદિલ હુસૈન ઠોકર અને બે પાકિસ્તાની – અલી બાહી ઉર્ફે તલ્હા બાહી અને હાશિમ મુસા ઉર્ફે સુલેમાન તરીકે કરી હતી. પોલીસે ત્રણેય હુમલાખોરો પર 20-20 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં થયેલા સૌથી ભયંકર આતંકવાદી હુમલાઓમાંના એકમાં, મંગળવારે પહેલગામના બૈસરન મેદાનમાં 25 પ્રવાસીઓ અને એક સ્થાનિક રહેવાસીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.