
ઈરાનમાં અફઘાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી, 5 લાખથી વધારે લોકોને હાંકી કઢાયા
ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તાજેતરના સંઘર્ષના અંતના થોડા દિવસો પછી, ઈરાનમાં અફઘાન નાગરિકો સામે કાર્યવાહી વધુ તીવ્ર બની છે. માત્ર 16 દિવસમાં, 5 લાખથી વધુ અફઘાનોને ઈરાનમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, આ દાયકાના સૌથી મોટા બળજબરીપૂર્વક વિસ્થાપન પૈકીનું એક માનવામાં આવે છે.
અહેવાલ મુજબ, 24 જૂનથી 9 જુલાઈ દરમિયાન, 5.08 લાખથી વધુ અફઘાન નાગરિકોએ ઈરાન-અફઘાનિસ્તાન સરહદ પાર કરી છે. એક દિવસમાં 51,000 લોકોને હાંકી કાઢવામાં આવ્યા હતા, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ઈરાને ગયા રવિવાર સુધી અલ્ટીમેટમ આપ્યું હતું કે કાગળો વિનાના તમામ અફઘાન નાગરિકોએ દેશ છોડી દેવો જોઈએ.
ઈરાન લાંબા સમયથી સંકેત આપી રહ્યું છે કે, તે દેશમાં રહેતા ગેરકાયદેસર અફઘાન ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવા માંગે છે. આ અફઘાનોમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જે ઈરાનના શહેરોમાં ખૂબ ઓછા વેતન પર મજૂર તરીકે કામ કરે છે. તેહરાન, મશહદ અને ઇસ્ફહાન જેવા શહેરોમાં, આ મજૂરો બાંધકામ, સફાઈ અને ખેતરોમાં કામ કરે છે. પરંતુ ઇઝરાયલ સાથે 12 દિવસનું યુદ્ધ સમાપ્ત થતાં જ, અફઘાન લોકો સામેની કાર્યવાહી અચાનક વધુ તીવ્ર બની ગઈ.
ઇરાન કહી રહ્યું છે કે, કેટલાક અફઘાન નાગરિકો ઇઝરાયલ માટે જાસૂસી કરી રહ્યા હતા, તેથી સુરક્ષા દૃષ્ટિકોણથી આ જરૂરી છે. માનવાધિકાર સંગઠનો કહે છે કે ઇરાન લાંબા સમયથી આ જાસૂસી આરોપોનો બહાના તરીકે ઉપયોગ કરીને હિજરત યોજના પર કામ કરી રહ્યું હતું. હવે તેનો અમલ શરૂ થઈ ગયો છે. ટીકાકારો કહે છે કે સરકારે આંતરિક અસંમતિને દબાવવા માટે પહેલાથી જ નબળા અને શોષિત સમુદાય એવા અફઘાનોને નિશાન બનાવ્યા છે.
ઇરાનમાંથી હાંકી કાઢવામાં આવેલા અફઘાન લોકો માટે પરિસ્થિતિ સરળ નથી. તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર છે અને સરહદ પર બનાવેલા કામચલાઉ શિબિરોમાં સુવિધાઓ મર્યાદિત છે. આ વર્ષે અત્યાર સુધીમાં, લગભગ 1.6 મિલિયન અફઘાન લોકો ઇરાન અને પાકિસ્તાનથી તેમના દેશમાં પાછા ફર્યા છે. UNHCRનો અંદાજ છે કે વર્ષના અંત સુધીમાં આ સંખ્યા 30 લાખ સુધી પહોંચી શકે છે. નિષ્ણાતોના મતે, તપાસ અને કાનૂની પ્રક્રિયા વિના આટલા મોટા પાયે સ્થળાંતર ભવિષ્યમાં વધુ સંકટ પેદા કરી શકે છે.