
- કેટલીક ખાનગી સ્કૂલો ફી વસુલીને વેકેશનમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખે છે
- રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારીએ ખાનગી શાળાઓને આપી સુચના
- બોર્ડના વિદ્યાર્થીઓને એકસ્ટ્રા ફી લઈને બોલાવવામાં આવતા હોવાથી ફરિયાદો મળી
રાજકોટઃ ગુજરાતમાં શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન ચાલી રહ્યુ છે. ત્યારે રાજકોટ શહેરમાં કેટલીક ખાનગી શાળાઓ ધોરણ 9 અને 11માં ઉતિર્ણ થયેલા અને આવતા વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છે. એવા શાળાના વિદ્યાર્થીઓને ટ્યુશન આપવા શાળાઓમાં બોલાવીને વર્ગ ખંડો ચાલુ રાખીને વધારાની ફી ઉઘરાવી રહ્યાની ફરિયાદો ઉઠતા જિલ્લા શિક્ષણાધિકારીએ ખાનગી શાળાઓને તાકીદ કરી છે કે, ઉનાળાના વેકેશનમાં સ્કૂલોમાં શિક્ષણકાર્ય ચાલુ રાખવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યભરમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. આગામી તારીખ 9 જૂનના રોજ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. પરંતુ કેટલીક ખાનગી શાળાઓ વેકેશનમાં પણ વાલીઓ પાસેથી ફી વસૂલી શકે તે માટે વેકેશનમાં પણ ધોરણ 10 અને 12નું શિક્ષણ કાર્ય શરૂ કરી દે છે. જેના પગલે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા રાજકોટ જિલ્લાની શાળાઓને મેસેજ કરીને સૂચના આપી છે કે, વેકેશનમાં બાળકોને સ્કૂલે બોલાવશો તો શાળા વિરુદ્ધ કડક કાર્યવાહી થશે.
જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને આપેલી સૂચનામાં જણાવાયું છે કે, હાલ વેકેશન પડી ગયું હોવા છતાં ઘણી શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ફ્રી યુનિફોર્મમાં બોલાવે છે. એવી ફરિયાદો મળતા સંબંધિત શાળા ધ્યાન આપે અને વેકેશનમાં વિદ્યાર્થીઓ માટે રજા જ રાખવાની છે. વેકેશનમાં તપાસ દરમિયાન જો શાળા ચાલુ જોવા મળશે તો શાળા વિરુદ્ધ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરાયું છે. જ્યારે જે વિદ્યાર્થીઓ ધો.9 પાસ થયા તેમનું ધો.10નું શિક્ષણ અને જે વિદ્યાર્થી ધો.11 પાસ થયા તેમનું ધો.12નું શિક્ષણ વેકેશનમાં પણ ચાલે છે. શહેરની કેટલીક ખાનગી સ્કૂલો માત્ર ફીના ઉઘરાણા કરવા માટે પરીક્ષા પૂર્ણ થતા જ તરત જ અભ્યાસક્રમ ચાલુ કરી દે છે ત્યારે આ વિદ્યાર્થીઓ હજુ ચિંતામાંથી બહાર નીકળ્યા હોય ત્યાં જ તેને તરત જ સ્કૂલ ચાલુ કરી અને ફરી ચિંતામાં રહેવાનું કામ માત્ર ફીના ઉઘરાણા કરવા માટે થતું હોવાની ફરિયાદો ઊઠી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં ગયા વર્ષે પણ વિદ્યાર્થીઓને સ્કૂલ પર બોલાવવા સ્કૂલ મેનેજમેન્ટ સંમતિપત્રોમા વાલીઓની સહી કરાવવા દબાણ લાવી રહ્યાના શરમજનક કિસ્સાઓ સામે આવ્યા હતા. શૈક્ષણિક સંસ્થાઓની ધંધાકીય હરીફાઈ અને દેખાદેખીમા બાળકોને શિક્ષણના નામે માનસિક દબાણ વેઠવું ન પડે તે માટે જિલ્લા શિક્ષણાધિકારીએ સચોટ રીતે વેકેશનમાં શાળાઓ ચાલુ ન રહે તેવું સઘન ચેકિંગ કરવું જોઈએ અને જો ક્યાય નિયમભંગ થતો હોય તો કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ વાલીઓમાં ઉઠી છે.