1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સોમનાથમાં ત્રિદિવસીય મહોત્સવમાં કલાકારો, લોકસંગીતકારો શિવ મહિમાગાન કરશે
સોમનાથમાં ત્રિદિવસીય મહોત્સવમાં કલાકારો, લોકસંગીતકારો શિવ મહિમાગાન કરશે

સોમનાથમાં ત્રિદિવસીય મહોત્સવમાં કલાકારો, લોકસંગીતકારો શિવ મહિમાગાન કરશે

0
Social Share
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો
  • પ્રથમ દિવસે નૃત્યાંગના ડૉ. સોનલ માનસિંહે “હર હર મહાદેવ” નાટ્યકથા પ્રસ્તુત કરી,
  • સોમનાથ મંદિર માત્ર ધર્મસ્થળ નહીં ભારતીય અસ્મિતાનું પ્રતિક છેઃ મુખ્યમંત્રી

સોમનાથઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ એવા સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ સોમનાથમાં મહાશિવરાત્રી પર્વના ઉપલક્ષમાં ઉજવાનારા ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીએ આ ત્રિદિવસીય સોમનાથ મહોત્સવને શ્રદ્ધા-આસ્થા, કલા અને આરાધનાનો ત્રિવેણી સંગમ ગણાવ્યો હતો. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગે કલા દ્વારા આરાધનાની થીમ સાથે આ સોમનાથ મહોત્સવનું આયોજન કર્યુ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સોમનાથ મહોત્સવનું આ સ્થળ માત્ર ધર્મસ્થાનક જ નહીં પરંતુ સંકલ્પ અને સંસ્કૃતિના પ્રતિક સાથો સાથ ભારતીય અસ્મિતાનું પણ અજોડ પ્રતિક છે. એટલું જ નહીં, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું જીવંત ઉદાહરણ પણ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ – તમિલ સંગમ અને કાશી – તમિલ સંગમનો પણ સવિશેષ ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મંદિરનું પુર્નનિર્માણ કરાવનારા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના આ વર્ષમાં સૌ પ્રથમવાર યોજાઈ રહેલા સોમનાથ મહોત્સવને સુભગ સંયોગ વર્ણવ્યો હતો.

ભૂપેન્દ્ર પટેલે સોમનાથ તીર્થસ્થાનના ઐતિહાસિક મહત્વની વાત કરતા કહ્યું કે, અરબી સમુદ્ર પાસે સરસ્વતી, હિરણ અને કપિલા નદીના ત્રિવેણી સંગમનું પણ મહાત્મ્ય છે. સોમનાથ મહોત્સવ દરમિયાન આ ત્રિવેણી સંગમ ખાતે 108 દીવડાની સંધ્યા આરતી કરવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સોમનાથ સહિતના યાત્રાધામો-તીર્થધામોના સર્વગ્રાહી વિકાસ માટેની નેમ દર્શાવી હતી. તેમણે જણાવ્યું કે, આગામી 20-25 વર્ષ દરમિયાન અહીં આવનારા યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને આયોજન હાથ ધરાયા છે. રાજ્ય સરકારે સોમનાથ આવનારા પ્રવાસીઓ, યાત્રિકોને સરળ કનેક્ટિવિટી માટે સોમનાથ, દ્વારકા અને પોરબંદરને જોડતા “સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વે”ના નિર્માણ માટે આ વર્ષના બજેટમાં આયોજન કર્યું છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહોત્સવની શરૂઆત કરાવતા પહેલાં ત્રિવેણી સંગમ ખાતે સંગમ આરતીમાં પણ સહભાગી થયા હતા. પ્રવાસન મંત્રી  મૂળુભાઈ બેરા, સાંસદ  રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય  પ્રદ્યુમનભાઈ વાજા, પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવ  રાજેન્દ્રકુમાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ  રમેશ મેરજા, અગ્રણી સર્વશ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, રાજશીભાઈ જોટવા, માનસિંહભાઈ પરમાર તથા ગીર-સોમનાથ વહિવટી તંત્રના અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ, પ્રવાસીઓ અને કલારસીક નગરજનો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code