1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. માતા-પિતા અને ગુરુજનોનું સન્માન કરવું એ વિદ્યાર્થીનું નૈતિક કર્તવ્ય છે : રાજ્યપાલ
માતા-પિતા અને ગુરુજનોનું સન્માન કરવું એ વિદ્યાર્થીનું નૈતિક કર્તવ્ય છે : રાજ્યપાલ

માતા-પિતા અને ગુરુજનોનું સન્માન કરવું એ વિદ્યાર્થીનું નૈતિક કર્તવ્ય છે : રાજ્યપાલ

0
Social Share
  • ગુરુકુલ કુરુક્ષેત્રમાં વિદ્યાર્થીઓને રાજ્યપાલનું પ્રેરણાદાયી વક્તવ્ય
  • સફળતા મેળવવા માટે ઇમાનદારીથી કઠોર પરિશ્રમ કરવો પડશે
  • ધો.12ના વિદ્યાર્થીઓએ આચાર્ય દેવવ્રતજીને સ્મૃતિચિહ્ન આપી સન્માન કર્યું

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આજે ગુરુકુલ કુરુક્ષેત્રમાં વિદ્યાર્થીઓને જીવનમાં સફળતા મેળવવા માટે ઇમાનદારીથી કઠોર પરિશ્રમ કરવાની પ્રેરણા આપી હતી.

આચાર્ય દેવવ્રતજીએ પોતાના પ્રેરક વક્તવ્યમાં કહ્યું કે, માતા-પિતા અને ગુરુજનોનું સન્માન કરવું એ દરેક વિદ્યાર્થીનું નૈતિક કર્તવ્ય છે. તેમણે જણાવ્યું કે, “માતા-પિતા પોતાના બાળકો પાસેથી અપેક્ષા રાખે છે કે, વૃદ્ધાવસ્થામાં સંતાનો તેમની સેવા કરે અને સમાજમાં તેમનું માન-સન્માન વધારે. આ જ આશાથી તેઓ પોતાના બાળકોને ગુરુકુલમાં ભણવા મોકલે છે, જ્યાં સાચા અર્થમાં બાળકોને સંસ્કારી બનાવવામાં આવી રહ્યા છે.

આચાર્ય દેવવ્રતજી એ 9મા થી 12મા ધોરણના વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું કે, આ ઉંમરમાં કિશોરોમાં શારીરિક અને માનસિક ફેરફાર થાય છે, જેમાં તેઓ ઘણીવાર દિમાગથી લેવાને બદલે દિલથી નિર્ણય લે છે, જે ભવિષ્ય માટે ક્યારેક યોગ્ય સાબિત થતા નથી. આવામાં વિનમ્રતાનો ગુણ અત્યંત મહત્વનો છે. વિનમ્રતાથી જ વિદ્યા પ્રાપ્ત થાય છે.

તેમણે આજના સમયમાં દુનિયાની ઝાકઝમાળથી ભ્રમિત થઈને લક્ષ્યમાંથી ભટકવાની સમસ્યાને લઈને વાત કરી. તેમણે જણાવ્યું કે, ગુરુકુલીય શિક્ષણ પદ્ધતિ આ ભટકાવથી બચાવીને વિદ્યાર્થીઓને સાચા માર્ગ પર પકડી રાખે છે. ગુરુકુલમાં મળેલા સંસ્કાર બ્રહ્મચારીને ખોટી આદતો અને ખરાબ સંગતથી બચાવીને સંસ્કારી નાગરિક બનવા માટે પ્રેરણા આપે છે, જે સમાજ અને રાષ્ટ્રની પ્રગતિમાં સહાયક બને છે.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે, વિદ્યા, શક્તિ અને ધન જો યોગ્ય હાથોમાં હોય તો તેનો સદુપયોગ થાય છે, નહીં તો તે વિનાશનું કારણ બને છે. ઉદાહરણરૂપે તેમણે રાવણ, કંસ, દુર્યોધન અને ઓસામા બિન લાદેનનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, તેમના પાસે જ્ઞાન અને શક્તિ હતી, પરંતુ તેમણે પોતાના સ્વાર્થી હિત માટે તેનો દુરુપયોગ કર્યો. બીજી તરફ શ્રીકૃષ્ણ અને શ્રીરામે પોતાના જ્ઞાન અને શક્તિનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે કર્યો, તેથી જ આજે તેમનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ થાય છે.

વક્તવ્યના અંતમાં  આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને સમયની એક-એક ક્ષણનો સદુપયોગ કરીને લક્ષ્યની પ્રાપ્તિ માટે કઠોર મહેનત કરવાની અપીલ કરી. તેમણે કહ્યું, “જીવનમાં પ્રગતિ માટે હંમેશા વડીલોનો આદર કરો, પુસ્તકોને મિત્ર બનાવો અને સતત પરિશ્રમ કરતા રહો.”

કાર્યક્રમમાં ગુરુકુલના નિદેશક બ્રિગેડિયર ડૉ. પ્રવીણકુમાર, પ્રાચાર્ય સૂબે પ્રતાપ, તમામ અધ્યાપકો અને સંરક્ષકો હાજર રહ્યા હતા. મુખ્ય સંરક્ષક સંજીવ આર્યએ મંચનું સફળ સંચાલન કર્યું. આ પ્રસંગે 12મા ધોરણના વિદ્યાર્થીઓએ આચાર્ય દેવવ્રતજીને સ્મૃતિચિહ્ન આપીને તેમનું સન્માન કર્યું હતું.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code