
ભારતની કાર્યવાહી બાદ બિલાવલ ભુટ્ટોએ આપી ધમકી, સિંધુ નદીમાં અમારુ પાણી વહેશે અથવા તેમનું લોહી
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદથી ભારત પાકિસ્તાન વિરુદ્ધ સતત કડક કાર્યવાહી કરી રહ્યું છે. ભારતે સિંધુ જળ સંધિ પર રોક લગાવી દીધી છે અને પાકિસ્તાનના લોકોને દેશ છોડી દેવા કહ્યું છે. હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાન મિલિટરી એકેડેમી કાકુલની પાસિંગ આઉટ પરેડને સંબોધિત કરતી વખતે, પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ભારતને ધમકી આપી હતી.
પીએમ શાહબાઝ શરીફે કહ્યું, “અમે ભારતના દરેક હુમલાનો જવાબ આપીશું.” આ પહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના વડા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સિંધુ જળ સંધિ પર ભારતને સીધી ધમકી આપી હતી. તેમણે કહ્યું, “હું સિંધુ નદીના કિનારે ઊભા રહીને ભારતને કહેવા માંગુ છું કે સિંધુ આપણી છે અને તે આપણી જ રહેશે. કાં તો આપણું પાણી આ નદીમાંથી વહેશે અથવા તેમનું લોહી તેમાં વહેશે.”
પાકિસ્તાને કહ્યું કે, સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાન તરફ જતા પાણીના પ્રવાહને રોકવાનો અથવા વાળવાનો કોઈપણ પ્રયાસ યુદ્ધ કરવા સમાન હશે. આ સાથે, તેણે પહેલગામ હુમલાના પગલે ભારત સરકાર દ્વારા દેશ વિરુદ્ધ લેવામાં આવેલા પગલાંના પ્રતિભાવમાં ભારત સાથે વેપાર, શિમલા કરાર સહિત દ્વિપક્ષીય કરારો અને હવાઈ ક્ષેત્ર બંધ કરવાની જાહેરાત કરી હતી.
ભારતે વિશ્વ બેંકની મધ્યસ્થી હેઠળ 1960માં હસ્તાક્ષર કરાયેલ સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીની વહેંચણી અંગે આ સંધિ ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. સતત આતંકવાદી પ્રવૃત્તિઓ અને પાકિસ્તાનની અસહકારાત્મક ભૂમિકાને કારણે, ભારતે હવે તેને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે, ત્યારબાદ પાકિસ્તાન સતત ભારતને ચેતવણી આપી રહ્યું છે. પાકિસ્તાને સાર્ક વિઝા એક્ઝેમ્પશન સ્કીમ (SVES) હેઠળ ભારતીય નાગરિકોને આપવામાં આવેલા તમામ વિઝા પણ સ્થગિત કરી દીધા છે અને શીખ યાત્રાળુઓ સિવાયના તમામ વિઝા રદ માનવામાં આવશે.