- ભાજપના જ સભ્યોના ખોટા દબાણોને વશ ન થઈ રાજીનામું આપ્યુઃ સંગીતા દવે,
- ડીસા નગરપાલિકામાં ભાજપના બે જુથોને લીધે આંતરિક વિખવાદ,
- ધારાસભ્ય પ્રવિણ માળી સામે કરાયો સીધો આક્ષેપ
ડીસાઃ શહેરની ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના જ બે જુથો વચ્ચે ઘણા સમયથી વિખવાદ ચાલી રહ્યો છે. જેના લીધે નગરપાલિકાના મહિલા પ્રમુખનો ભોગ લેવાયો છે. નગરપાલિકામાં પ્રમુખપદને લઈને સવા વર્ષથી ચાલતા વિવાદ બાદ કંટાળીને પ્રમુખ સંગીતાબેન દવેએ રાજીનામું આપી દીધુ છે. મહીલા પ્રમુખને ભાજપ પ્રદેશ કમાન્ડે રાજીનામુ આપવાનું કહેવા છતાં રાજીનામુ ન આપતાં અવિશ્વાસની દરખાસ્ત આવે તે પહેલાં જ બુધવારે સંગીતાબેને કલેકટરને પ્રમુખપદેથી અને વોર્ડ નં 3 ના સભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતુ. રાજીનામું આપ્યા બાદ સંગીતાબેન દવેએ જણાવ્યું હતું કે, ભાજપના જ સભ્યો દ્વારા રજુ કરવામાં આવતા ખોટા કામો ન કરતા તેમજ સભ્યોની નાણાકીય જરૂરિયાતો પૂરી ન કરતા તેઓએ બળવો કરતા અંતે હારીને રાજીનામું આપવું પડ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે બીજી ટર્મમાં સંગીતાબેન દવેનું પ્રમુખ તરીકે નામ જાહેર થયું ત્યારથી જ નગરપાલિકામાં વર્તમાન ધારાસભ્ય પ્રવિણ માળી અને પૂર્વ ધારાસભ્ય એમ બે જૂથમાં સભ્યો વહેંચાઈ જતાં સતત સવા વરસ સુધી નગરપાલિકામાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો હતો.જેમાં નગરપાલિકા પ્રમુખને હટાવવા એક જૂથ શરૂઆતથી જ પ્રયાસો કરી રહ્યું હતું.જેમાં અગાઉ પણ 16 સભ્યોએ પોતાના રાજીનામાં ધરી દીધા હતા.પરંતુ ભાજપે ઘીના ઠામમાં ઘી પડી જશે તેમ માની કોઈ પગલા લીધા ન હતા.ત્યારે ડીસાના ધારાસભ્ય અને નારાજ જૂથના સભ્યોના સતત પ્રયાસોથી આખરે પક્ષ દ્વારા સંગીતાબેન દવેને રાજીનામું આપવા સૂચના આપી હતી. જોકે તેઓએ રાજીનામું ન આપતા મંગળવારે કુલ 22 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતો પત્ર ચીફ ઓફિસરને આપ્યો હતો. ત્યારબાદ પાલિકા પ્રમુખે બુધવારે બોર્ડ બોલાવવાની જાહેરાત કરી હતી. જેથી 11 વાગે પાલિકાનું બોર્ડ મળવાનું હતું.પરંતુ સભ્યોનો વિરોધ જોતાં બોર્ડ કેન્સલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંગીતાબેન દવેએ પ્રમુખપદેથી તેમજ સભ્યપદેથી રાજીનામું આપી દીધુ હતું. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, નગરપાલિકામાં જૂથવાદ ચાલે છે, અને સભ્યો પોતાના અંગતકામો કરવા દબાણ કરે છે. ધારાસભ્ય જ જૂથવાદ ચલાવી રહ્યા છે, અંગત કામો કરાવવા દબાણ કરે છે,ખોટા કામ માટે સહયોગ જોઈતો હતો અને હું ખોટું કામ કરવા માંગતી નહોતી. તેથી વારંવાર માનસિક ત્રાસ આપતા હતા.