
- રખડતા પશુઓને પકડવામાં આવે છે
- રોજ દૈનિક ધોરણે 2500 કિ.ગ્રામથી વધુ જેટલુ છાણ એકઠુ થાય છે
- બાકરોળ અને દાણીલીંમડામાં બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરાશે
અમદાવાદ: શહેરમાં મ્યુનિ. દ્વારા રખડતા ઢોરને પકડવામાં આવે છે. પકડવામાં આવેલા રખડતા ઢોરનું રોજ દૈનિક ધોરણે 2500 કિલોથી વધુ છાણ એકત્ર થાય છે. હવે પકડાયેલા રખડતા પશુઓના છાણમાંથી બાયોગેસ ઉત્પન્ન કરવા અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પ્રોજેક્ટ શરૂ કર્યો છે. એએમસી ગુજરાતની પહેલી એવી મ્યુનિ.કોર્પોરેશન બની છે કે, ગાયના છાણમાંથી બાયોગેસ પ્લાન્ટ શરૂ કરાયો હશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સીએનસીડી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં લાયસન્સ / પરમીટ વગરના તથા રખડતા પશુઓને પકડી દાણીલીમડા અને બાકરોલ કરુણા મંદિરમાં રાખી ઘાસચારો, પાણી, તબીબી સારવાર, દેખરેખ, સેવા નિભાવ જેવી પશુવિષયક વ્યવસ્થાઓ / સવલતો ઉભી કરવામાં આવી છે. કરુણા મંદિરમાં દૈનિક ધોરણે 2500 કિ.ગ્રા. જેટલુ છાણ / ગ્રીન વેસ્ટ જનરેટ થાય છે. કચરાના પ્રોસેસીંગ માટેના માન્ય ગાઇડલાઇન મુજબ જનરેટ થતા છાણમાંથી રિસોર્સ, એનર્જી, રીયુઝ કરી છાણમાંથી વિવિધ પ્રોડક્ટસ બનાવવામાં આવે છે.
કરૂણા મંદિરમાં દૈનિક ધોરણે જનરેટ થતુ 2000 કિ.ગ્રા. જેટલુ છાણ મ્યુનિ. કોર્પો.ના બગીચા ખાતાની ગ્યાસપુર ખાતેની સાઇટમાં લઇ જઇ ખાડો કરી આ છાણ રાખવામાં આવે છે. નિયત સમય બાદ તે સુકાય જાય છે તથા પ્રક્રિયા થયા બાદ તૈયાર થતા ખાતરનો મ્યુનિ. કોર્પો.ના 62 જેટલા ગાર્ડનમાં દૈનિક ધોરણે 1500 કિ.ગ્રા.થી પણ વધારે ખાતર તરીકે રોપા ઉછેર, નર્સરી, સોઈલ એનરિચર, તરીકે હાલમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. તેમાથી દૈનિક ધોરણે છાણ /સૂકા ઘાસનો ઉપયોગ કરી છાણાં, સ્ટીક, ખાતર વગેરે બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ વૈદિક હોળી તથા શહેરના સ્મશાનોમાં અંતિમવિધિમાં થાય છે.
શહેરના બાકરોલ અને દાણીલીમડા કરુણા મંદિર ખાતે બાયોગેસ પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે. છાણ, ઘાસચારો વિગેરેના ગ્રીન વેસ્ટનો ઉપયોગ દૈનિક ધોરણે 50 કિ.ગ્રા. બાયોગેસ જનરેટ થશે. જેનો ઉપયોગ કોમ્યુનિટી કિચન, કેન્ટીન વગેરેમાં કરી શકાશે.