
- ઘાટલોડિયા વોર્ડની એક બેઠકની પેટાચૂંટણીને લીધે આચારસંહિતા લાગુ
- ડ્રાફ્ટ બજેટ રજુ કરવા ચૂંટણી પંચની મંજુરી માગી
- ચૂંટણી પંચનો જવાબ મળ્યા બાદ બેજેટ અંગે નિર્ણય લેવાશે
અમદાવાદઃ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સાથે અમદાવાદ શહેરના ઘાટલોડિયા વોર્ડની એક બેઠકની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે. ચૂંટણીન જાહેર થતાં જ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. બીજીબાજુ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ જાહેર કરવામાં ચૂંટણી આચારસંહિતાને લીધે બ્રેક લાગી ગઈ છે. એએમસીના સત્તાધિશોને જ ખબર નથી કે વોર્ડની માત્ર એક બેઠકની ચૂંટણી હોય તો ડ્રાફ્ટ બજેટ રજુ કરી શકાય કે કેમ? આ અંગે એએમસીએ ચૂંટણી પંચનું માર્ગદર્શન માગ્યુ છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 માટે ડ્રાફ્ટ બજેટ તૈયાર કરી દેવામાં આવ્યું છે. જો કે આ બજેટ સત્તાવાર રીતે જાહેર કરવું કે કેમ તે અંગે અવઢવભરી સ્થિતિ છે. આગામી તા. 28 કે 29 જાન્યુઆરીએ ડ્રાફ્ટ બજેટ રજૂ થવાનું હતું. પણ ઘાટલોડિયા વોર્ડમાં એક બેઠકની ચૂંટણી જાહેર થતાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. જેને કારણે મ્યુનિ. ડ્રાફ્ટ બજેટ રજૂ કરવા અંગે સ્પષ્ટતા માગી છે. ચૂંટણી પંચના અધિકારીના જણાવ્યા પ્રમાણે બે દિવસમાં બેઠક મળશે જેમાં બજેટ અંગે નિર્ણય લેવામાં આવશે.
સૂત્રોના કહેવા મુજબ એએમટીએસ, વી.એસ. હોસ્પિટલ અને એમ.જે. લાઈબ્રેરીનું ડ્રાફ્ટ બજેટ રજૂ થઈ ગયું છે. સત્તાપક્ષ સોમવારે આ 3 બજેટમાં પોતાના સુધારા રજૂ કરવા માટે તૈયારી કરી રહ્યું છે. એ પૂર્વે જ ચૂંટણી જાહેર થઈ ગઈ છે. આ અંગે મ્યુનિ. કમિશનરે ચૂંટણી પંચને પત્ર લખી માર્ગદર્શન માગ્યું છે કે, મ્યુનિ. આ બજેટ રજુ કરી શકે કે કેમ? જે અંગેનો જવાબ આગામી 1 કે 2 દિવસમાં મ્યુનિ.ને મળે તેવી શક્યતા છે. બીજી તરફ મ્યુનિ.એ આગામી 28 કે 29મી સુધીમાં ડ્રાફ્ટ બજેટ રજૂ કરવાની તૈયારી કરી દીધી છે. જોકે સમગ્ર કામગીરી ચૂંટણી પંચના જવાબ પર નિર્ભર છે.