
- શહેરના મેઈન રોડ અને પ્લોટમાં વાવેલા વૃક્ષો મોટા થઈ જતા ટ્રી ગાર્ડ કઢાશે
- ચોમાસામાં મોટીપાયે વૃક્ષારોપણ કરાશે
- ટ્રી ગાર્ડ કાઢતી વેળાએ વૃક્ષોને નુકસાન ન થાય તેની તકેદારી રખાશે
અમદાવાદઃ શહેરમાં ગત ચોમાસા દરમિયાન મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, અને રોપાઓની સારસંભાળ માટે ટ્રી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. વાવેલા રોપાઓ ઉજરીને મોટા થયા હવે રોપાઓ પર લગાવેલા ટ્રી ગાર્ડ કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ટ્રી ગાર્ડ કાઢવા માટે રૂપિયા 17.79 લાખનો ખર્ચ કરાશે, ટ્રી ગાર્ડ કાઢતી વખતે રોપાઓને કોઈ નુકસાન ન થાય તેની પુરતું તકેદારી રાખવામાં આવશે. આ વખતે ચોમાસા દરમિયાન પણ વૃક્ષારોપણ કરાશે. અને કઢાયેલા ટ્રી ગાર્ડનો ઉપયોગ કરાશે.
શહેરમાં મિશન થ્રી મિલિયન ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત એએમસી દ્વારા મોટી સંખ્યામાં રોપાની વાવણી કરવામાં આવી હતી. રોપાઓની સંભાળ માટે ટ્રી ગાર્ડ લગાવવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. ગત વર્ષે વાવેલા રોપાઓ ઉછરીને મોટા થઈ જતા મ્યુનિ દ્વારા ટ્રી-ગાર્ડ કાઢવાનો નિર્ણય લેવાયો છે. જેમાં શહેરમાંથી કુલ 10 હજાર જેટલા ટ્રી ગાર્ડ કાઢવા માટે રૂ.17.70 લાખનો ખર્ચ કરાશે. જ્યારે બીજી બાજુ અન્ય વિસ્તારોમાં વૃક્ષારોપણ કર્યા છે ત્યાં ટ્રી ગાર્ડ લગાવવા માટે પણ મ્યુનિએ કમર કસી છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને છેલ્લા 6 વર્ષમાં શહેરમાં કુલ એક કરોડથી વધારે વૃક્ષોની વાવણી કરી છે. જેમાં મેઈન રોડ, ટીપી રોડ, ગાર્ડન, પ્લોટ સહિતના જુદા જુદા સ્થળોએ વૃક્ષો વાવ્યાં હતાં. આ જગ્યાઓએ હયાત મોટા થઈ ગયેલા વૃક્ષોને ફરતે જૂના ટ્રી ગાર્ડ, ગેસ કટરથી કાપીને કાઢી લેવાનું આયોજન કરાયું છે. જેમાં એક ટ્રી ગાર્ડ કાઢવા માટે રૂ.177 લેખે ખર્ચ કરીને કુલ 10 હજાર ટ્રી ગાર્ડ કાઢી નાંખવા માટે રૂ.17.70 લાખનો ખર્ચ કરાશે. જેમાં કોન્ટ્રાકટરને સુચના અપાઈ છે કે, જુના ટી ગાર્ડ કાઢ્યા બાદ તેને જમા કરાવવાના રહેશે. જો કે કામગીરી વેળા વૃક્ષને નુકશાન થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ઉપરાત કામગીરી દરમિયાન જાહેર જનતાને પણ કોઈ નુકશાન કે હેરાનગતિ થાય નહીં તેની તકેદારી રાખવી પડશે. આ સમગ્ર કામગીરી એક વર્ષ દરમિયાન કરવાની રહેશે.
શહેરના પૂર્વ વિસ્તારના ચાર ઝોનમાં 16,500 ટ્રી ગાર્ડ ખરીદવા માટે મ્યુનિ. દ્વારા રૂ.2 કરોડથી વધુનો ખર્ચ કરવાનું આયોજન કર્યું છે.જેમાં એક ટ્રી ગાર્ડ ખરીદવા માટે રૂ.1228 જેટલો ખર્ચ કરવાનું પણ નક્કી કરાયું છે. તેમાં ઝોન પ્રમાણે દક્ષિણ ઝોનમાં રૂ.73.68 લાખના ખર્ચે 6 હજાર ટ્રી ગાર્ડ ખરીદાશે. જ્યારે ઉત્તર ઝોનમાં રૂ.49.12 લાખના ખર્ચે 4 હજાર, પૂર્વ ઝોનમાં રૂ.49.12 લાખના ખર્ચે 4 હજાર અને મધ્ય ઝોનમાં રૂ.30.70 લાખના ખર્ચે 2500 ટ્રી-ગાર્ડ લગાવાશે.