
અમેરિકન કંપની ફાયરફ્લાય એરોસ્પેસનું બ્લુ ઘોસ્ટ લેન્ડર ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતર્યું
અમેરિકન કંપની ફાયરફ્લાય એરોસ્પેસનું બ્લુ ઘોસ્ટ લેન્ડર ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતર્યું. ચંદ્ર પર પહોંચનાર આ બીજું પ્રાઈવેટ કોમર્શિયલ વાહન છે. આ લેન્ડિંગ ચંદ્રના મેયર ક્રિસિયમ ક્ષેત્રમાં થયું હતું. બ્લુ ઘોસ્ટને 15 જાન્યુઆરી, 2025ના રોજ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સના રોકેટ ફાલ્કન 9 દ્વારા સ્પેસમાં મોકલવામાં આવ્યું હતું.
ફાયરફ્લાય એરોસ્પેસે ચંદ્ર પર ઉતરીને ઈતિહાસ રચ્યો છે. એલોન મસ્ક અને જોસ બેઝોસ જેવા દિગ્ગજો જે કરી શક્યા નથી, તે લગભગ 10 વર્ષ પહેલા બનેલા આ સ્ટાર્ટઅપે કરી બતાવ્યું છે. ફાયરફ્લાયના ચીફ એન્જિનિયર વિલ કુગને કહ્યું, ‘લેન્ડિંગ સફળ રહ્યું. અમે ચંદ્ર પર છીએ. આ પહેલા રશિયા, અમેરિકા, ચીન, ભારત અને જાપાન માત્ર પાંચ દેશ જ આ કરવામાં સફળ રહ્યા હતા. આ મિશનનો ઉદ્દેશ્ય પૃથ્વી પરથી ચંદ્ર પર દેખાતા વિશાળ ખાડા ‘સી ઓફ ક્રાઇસિસ’ની તપાસ કરવાનો છે.
આ લેન્ડર ચંદ્રની માટીનું વિશ્લેષણ કરશે. તેમાં એક ડ્રીલ પણ લગાવવામાં આવી છે, જે ચંદ્રની સપાટીથી 3 મીટર નીચે જશે અને ત્યાં તાપમાન રેકોર્ડ કરશે. બ્લુ ઘોસ્ટે ચંદ્ર પરથી લેન્ડિંગ કર્યા પછી તરત જ તસવીરો મોકલવાનું શરૂ કર્યું. ફાયરફ્લાય કંપનીએ આ તસવીરો તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. અમેરિકન અવકાશ એજન્સી નાસા પણ આ મિશનમાં ભાગીદાર છે. બીજી કંપની, ઇન્ટ્યુટિવ મશીન્સ, પણ આગામી થોડા દિવસોમાં તેના એથેના અવકાશયાનને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાની આશા રાખે છે.
અગાઉ, ઇન્ટ્યુટિવ મશીન્સ ચંદ્ર પર ઉતરાણ કરનારી પ્રથમ પ્રાઈવેટ કંપની હતી. તેનું અવકાશયાન ઓડીસિયસ ગયા વર્ષે 22 ફેબ્રુઆરીએ ચંદ્ર પર પહોંચ્યું હતું. જો કે, અવકાશયાન એક ખાડાના ઢોળાવ પર ઉતર્યું હતું, જેના કારણે તેનું લેન્ડિંગ ગિયર તૂટી ગયું અને તે પલટી ગયું હતું. બ્લુ ઘોસ્ટે ઉતરાણ કરતા પહેલા બે અઠવાડિયા સુધી ચંદ્રની પરિક્રમા કરી અને પછી સરળતાથી લેન્ડ કર્યું.
બ્લુ ઘોસ્ટ મિશન લગભગ 14 દિવસ ચાલે છે, જે ચંદ્ર પરના એક દિવસ જેટલું છે. જો આ મિશન સંપૂર્ણપણે સફળ થશે, તો તે ચંદ્ર પર માનવ પહોંચ વધારવામાં મદદ કરશે.