પશ્ચિમ બંગાળ માટે અમિત શાહ અને આસામ માટે જે.પી. નડ્ડાની નિરીક્ષક તરીકે નિમણૂક
નવી દિલ્હી, 5 મે 2026: ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડ દ્વારા આગામી રાજકીય વ્યૂહરચનાના ભાગરૂપે મહત્વના રાજ્યો માટે નિરીક્ષકો (ઓબ્ઝર્વર્સ) ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પશ્ચિમ બંગાળ અને આસામ જેવા મહત્વના રાજ્યો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. બંગાળમાં અમિત શાહ અને અસમમાં નેતાની પસંદગી માટે જે.પી.નડ્ડાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
પશ્ચિમ બંગાળમાં પાર્ટીના સંગઠનને મજબૂત કરવા અને રાજકીય સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. તેમની સાથે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીને સહ-નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપાઈ છે. ઓડિશામાં ભાજપની શાનદાર જીત બાદ માઝીનો અનુભવ બંગાળમાં પક્ષ માટે મહત્વનો સાબિત થઈ શકે છે. બીજી તરફ, આસામમાં ભાજપ ધારાસભ્ય દળના નેતાની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને નિરીક્ષક નિયુક્ત કરવામાં આવ્યા છે. નડ્ડા આસામના ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજીને નવા નેતાના નામ પર મહોર મારશે. ભાજપ હાઈકમાન્ડના આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે પાર્ટી પૂર્વ ભારતના રાજ્યોમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારી રહી છે.
તાજેતરમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના ગઈકાલે પરિણામ જાહેર થયાં હતા. પશ્ચિમ બંગાળમાં ભાજપા, અસમમાં ભાજપા-એનડીએ, પુડુંચેરીમાં એનડીએ, કેરલમમાં કોંગ્રેસ ગઠબંધન અને તમિલનાડુમાં ટીવીકે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. હવે આ પાંચેય રાજ્યોમાં સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ છે. બીજી તરફ બંગાળમાં આગામી 9 મે ના રોજ સીએમના શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ભાજપના સિનિયર નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. બંગાળમાં પ્રથમવાર ભાજપા સરકાર બનાવી રહી છે.


