1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના વેપારી સાથે 10 કરોડની ઠગાઈ કેસમાં તામિલનાડુથી વેપારીની ધરપકડ
સુરતના વેપારી સાથે 10 કરોડની ઠગાઈ કેસમાં તામિલનાડુથી વેપારીની ધરપકડ

સુરતના વેપારી સાથે 10 કરોડની ઠગાઈ કેસમાં તામિલનાડુથી વેપારીની ધરપકડ

0
Social Share

સુરત, 5 મે 2026: One arrested from Tamil Nadu in Rs 10 crore fraud case  શહેરના ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે વિશ્વાસઘાત કરીને 10.46 કરોડની છેતરપિંડીના કેસમાં શહેર પોલીસે તામિલનાડુના ભેજાબાજ વેપારી ગણેશન થંગાવેલની ધરપકડ કરી છે. આ કેસમાં તમિલનાડુના વેપારી ગણેશન ઉર્ફે મુરલી થંગાવેલે અન્ય સાગરીતો સાથે મળીને એક સુનિયોજિત ષડયંત્ર રચ્યું હતું. આરોપીઓએ આધારકાર્ડમાં સરનામું બદલીને ખોટા પુરાવા ઊભા કર્યા હતા. આ નકલી દસ્તાવેજોના આધારે કર્ણાટકના મૈસુર ખાતે ‘શિવમ ટ્રેડર્સ’ નામે એક બોગસ પેઢી રજિસ્ટર કરાવી હતી. ત્યારબાદ તેને 1,75,494 સાડીઓ ઓળવી જઈને તમિલનાડુમામ વેચી મારી હતી.

આ કેસની વિગત એવી છે કે, તામિલનાડુની ઠગ ટોળકીએ સુરતની ‘ઓશ્યનવેવ્સ ફર્મ’ના વેપારીને શિકાર બનાવ્યા હતા. આરોપીઓએ શરૂઆતમાં નાની કિંમતનો માલ ખરીદીને તેનું સમયસર પેમેન્ટ કરી દીધું હતું, જેથી વેપારીનો વિશ્વાસ જીતી શકાય. આટલું જ નહીં, વેપારીને વધુ ભરોસો આપવા માટે સેન્ટ્રલ બેંકના અંદાજે 2.84 કરોડના 49 એડવાન્સ ચેકો પણ આપી દીધા હતા. આ માયાવી જાળમાં ફસાઈને વેપારીએ મોટા ઓર્ડર આપવાની તૈયારી બતાવી હતી. દરમિયાન 8 નવેમ્બર, 2025થી 28 ફેબ્રુઆરી, 2026 સુધીમાં આરોપીઓએ વોટ્સએપ અને ફોન દ્વારા મોટા ઓર્ડર આપ્યા હતાં. ટ્રાન્સપોર્ટ મારફતે અંદાજે 1,75,491 નંગ જેકાર્ડ સાડીઓ, જેની કિંમત 10.43 કરોડ થતી હતી, તે મૈસુર મંગાવી લીધી હતી. માલની ડિલિવરી મળી ગયા બાદ આરોપીઓએ પેમેન્ટ ચૂકવવાનું બંધ કરી દીધું હતું. વેપારીએ જ્યારે એડવાન્સમાં આપેલા ચેકો બેંકમાં જમા કરાવ્યા ત્યારે તે તમામ રિટર્ન થયા હતા, જેથી છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો.

સચિન પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ સુરત ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખા (ઈકો સેલ)એ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપીએ ભાડા કરાર ઊભા કરી GST નંબર મેળવ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સના આધારે ઈકો સેલની ટીમે તમિલનાડુમાં ધામા નાખ્યા હતા અને મુખ્ય ભૂમિકા ભજવનાર 44 વર્ષીય ગણેશન થંગાવેલની ધરપકડ કરી હતી. અગાઉ આ કેસમાં અન્ય સાગરીતોની પણ સંડોવણી બહાર આવી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, મૈસુર મંગાવેલી સાડીઓ ત્યાં રાખવાને બદલે તમિલનાડુના બરગુર ખાતે મોકલી દેવામાં આવી હતી. ત્યાં ‘સ્કાઈ ટ્રેડર્સ’ અને ‘વિનાયગા ટ્રેડર્સ’ જેવી અન્ય પેઢીઓમાં આ માલનું વેચાણ બતાવી તેને રોકડમાં વટાવી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડ ખૂબ જ વ્યવસ્થિત રીતે આચરવામાં આવ્યું હતું, જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકાય.

આ કેસમાં આરોપી ગણેશનને સુરત લાવ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા અને અન્ય ફરાર આરોપીઓની વિગતો મેળવવા રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીના 6 મે, 2026 સુધીના 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગણેશન વિરુદ્ધ બેંગલુરુમાં પણ છેતરપિંડીના ગુના નોંધાયેલા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code