ગાંધીનગર, 22 જુન, 2026 : School entrance festival begins across the state from tomorrow વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવેલા કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવની ૨૪મી કડી મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તા. ૨૩ જૂન, મંગળવારથી ૨૫ જૂન, ગુરૂવાર સુધી યોજાશે.
શાળા પ્રવેશોત્સવના પ્રણેતા અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના વતન વડનગરની જે શાળામાંથી શિક્ષણ મેળવેલું તે બી.એન. હાઈસ્કૂલથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ૨૪માં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરશે. વડનગરમાં આંગણવાડીમાં બે ભૂલકાંઓ સહિત બાલવાટિકાથી ધોરણ-૧૧ સુધીના ૩૮૯ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ મુખ્યમંત્રીશ્રી કરાવવાના છે.
૨૦૦૩ના વર્ષથી શરૂ થયેલા શિક્ષણ સેવા યજ્ઞની અવિરત યાત્રાના આ ૨૪માં વર્ષના ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સમાં રાજ્ય ભરની ૩૮૪૦૦ શાળાઓમાં કુલ મળીને ૨૮ લાખ ૫૮ હજાર જેટલા બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવશે.
તદઅનુસાર, જે બાળકોની ઉંમર ૧ જૂનના રોજ પાંચ વર્ષથી વધુ અને ૬ વર્ષ કરતા ઓછી હશે તેને બાલવાટિકામાં અને જે બાળકની ઉંમર ૧ જૂનના રોજ ૬ વર્ષથી વધુ અને ૭ વર્ષ કરતા ઓછી હશે તેને ધોરણ-૧ માં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત ધોરણ-૮ પાસ કરનાર બાળકોને ધોરણ-૯ માં અને ધોરણ-૧૦ પાસ કરનાર બાળકોને ધોરણ-૧૧ માં પ્રવેશ અપાશે.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના મંત્રીઓ, IAS, IPS, IFS કક્ષાના અધિકારીઓ, સચિવાલયના અધિકારીઓ સહિત ૪૬૫ જેટલા મહાનુભાવો પ્રવેશોત્સવ કાર્યક્ર્મમાં સહભાગી થઈને શાળાએ શાળાએ જઇ બાળકોને પ્રવેશ અપાવવાના આ સેવાયજ્ઞમાં જોડાશે.
આ શાળાપ્રવેશોત્સવ દરમિયાન મહાનુભાવો શાળાઓની શૈક્ષણિક સિધ્ધિઓ, ભૌતીક સુવિધાઓ અને અન્ય ઉપલબ્ધીઓની સમિક્ષા શાળા વ્યવસ્થાપન સમિતિ SMC સાથે બેસીને કરશે.
સમગ્ર રાજ્યમાં આ શાળા પ્રવેશોત્સવમાં શાળા વ્યવસ્થાપન સમિતી SMC, વાલીઓ અને ગ્રામજનોની જન ભાગીદારીથી બાળકોનું શાળા નામાંકન ઉત્સવમય અને પ્રેરક બનશે.


