અમદાવાદ, 22 જુન, 2026 : Scam of theft of flammable chemicals from tanker બગોદરા-વટામણ હાઈવે પર આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં ટેન્કર ઊભુ રાખીને ટેન્કરમાંથી અત્યંત જ્વલંનશીલ કેમિકલ ચોરીને ડ્રમમાં ભરવામાં આવતું હતું. આ અંગેની બાતમી મળતા અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે મેમર ગામની સીમમાં આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં મોડી રાત્રે દરોડો પાડીને કેમિકલ ચોરી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ટેન્કર અને કિંમતી કેમિકલ સહિત કુલ 34,40,650 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, કંડલા બંદરથી અત્યંત જ્વલનશીલ ‘મિક્સ ઝાયલીન’ કેમિકલ ભરીને એક ટેન્કર સુરત તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન બગોદરા-વટામણ હાઈવે પર આવેલી ‘જય માતાજી હોટલ’ના કમ્પાઉન્ડમાં ટેન્કરને ઊભું રાખી, તેના વાલ્વનું સીલ તોડીને કેમિકલની ચોરી કરવામાં આવતી હોવાની માહિતી લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. કેમિકલ અત્યંત જ્વલનશીલ હોવાથી કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે પોલીસે એફ.એસ.એલ. (FSL) અને ફાયર ફાઇટરની ટીમને સાથે રાખીને મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. પોલીસ જ્યારે હોટલના કમ્પાઉન્ડમાં પહોંચી ત્યારે ટેન્કરમાંથી કેમિકલ કાઢીને પ્લાસ્ટિકના મોટા કેરબાઓમાં ભરવાની કામગીરી ચાલતી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ટેન્કરના ડ્રાઈવર અહેમદ ટીંબલિયા અને ચોરીનું કેમિકલ ખરીદવા/કાઢવામાં મદદ કરનાર જયરાજ રાઠોડ નામના બે આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. જો કે, આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને હોટલ સંચાલક દીપક ચૌહાણ પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતો, જેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.
બગોદરા પોલીસે ઘટનાસ્થળેથી અલગ-અલગ વસ્તુઓ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 28.64 લાખ રૂપિયાની કિંમતનું ‘મિક્સ ઝાયલીન’ કેમિકલ, કેમિકલ ભરેલું ટેન્કર, પ્લાસ્ટિકના કેરબા અને મોબાઈલ ફોન સહિત કુલ 34,40,650 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

