- પીકઅપ વાને અકાએક પલટી ખાધી અને બે કાર વાન સાથે અથડાઈ
- બન્ને કારને ભારે નુકસાન થયુ, એરબેગ ખૂલી જતા જાનહાની ટળી
- બન્ને કારના પ્રવાસીને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા
વિરમગામઃ માંડલ-વિરમગામ હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, સેન્ટિંગનો માલ સામાન ભરીને જઈ રહેલા પીકઇપ વાન (ડાલુ) કોઈ કારણ રોડ પર એકાએક પલટી ગયુ હતુ. ત્યારે પૂર ઝડપે આવતી બે કાર પીકઅપ વાન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બન્ને કારને ભારે નુકાસાન થયું હતું. બન્ને કારમાં એરબેગ ખૂલી જતા કોઈ જાનહાની થઈ નથી
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, માંડલ નજીક વિરમગામ રોડ પર શનિવારે સવારે આશરે 12 વાગ્યા ની આસપાસ માલણપુર ગામના પાટિયા પાસે એક ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. રાજકોટના મહુડી વિસ્તારથી માંડલ ખંભલાય માતાજીના દર્શનાર્થે આવી રહેલો પરિવાર રેનોલ્ટ લોઝી કારમાં સવાર હતો, જ્યારે અન્ય એક સ્કોડા કારમાં જૈન યુગલ દંપતી તીર્થધામથી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન સેન્ટિંગનો સામાન ભરીને પસાર થતું પીકઅપ ડાલું અગમ્ય કારણોસર રોડ પર પલટી મારી ગયું હતું, જેના કારણે સામેથી આવતી બંને કાર તેની સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું, પરંતુ સદનસીબે બંને કારમાં એરબેગ્સ સમયસર ખુલી જતાં મોટી જાનહાનિ ટળી હતી અને કારમાં સવાર તમામ પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો.
આ અકસ્માતની જાણ થતાં જ આસપાસના ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં માંડલની બંને 108 એમ્બ્યુલન્સ ટીમ સ્થળ પર પહોંચી હતી. રાજકોટના પરિવારના 4 સભ્યોને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેમને વિરમગામની ગાંધી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જૈન દંપતીને પ્રાથમિક સારવાર માંડલની ખાનગી હોસ્પિટલમાં આપી વધુ સારવાર અર્થે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. પીકઅપ ડાલાના ચાલક અને મજૂરોને પણ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટના પાટડી પોલીસ મથકની હદમાં બની હોવાથી પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


