
બ્રિટનના હેરોના ડેપ્યુટી મેયર અને ભારતીય મૂળના અંજના પટેલે કર્મ જ પુજાની ભાવનાથી વિદેશી ધરતી ઉપર લોકોના સ્વપ્ન પૂર્ણ કર્યાં
વિશ્વમાં ભારતના મજબૂત અને વિકસતા મૂળનું એક અજોડ ઉદાહરણ શોધવાનો પ્રયાસ કરીએ તો હું નિશ્ચિતપણે કહું છું કે તે નહીં મળે અને જેણે આ પંક્તિઓ લખી છે તે સાચું છે કે,
જગતને જીવન આપનાર તું, મૃત્યુ પણ તારાથી હારી છે,
તું સૌમ્ય છે, કમજોર નથી,
કોઈ માને કે ના માને પણ શક્તિનું નામ જ નારી છે
વાત કરીએ એવા વ્યક્તિત્વની જેઓ મહિલા સશક્તિકરણના પાવર હાઉસ છે જેમનું નામ છે અંજના પટેલ. “In joy of others lies our own” બીજાના સુખમાં પોતાનું સુખ. ગુરુ પાસેથી આ વાત સાંભળી અને અંજનાબેન પટેલે તેને પોતાનો જીવનમંત્ર બનવી લીધો.
અંજનાબેન બ્રિટનના પ્રખ્યાત રાજકીય વ્યક્તિઓમાંના એક છે. પરંતુ તેમને આ પદ વારસામાં નોહતું મળ્યું પણ પોતાના લોહી અને પરસેવાથી બ્રિટિશ ધરતી પર તેઓએ પોતાની જાતને સ્થાપિત કરી હતી. અંજના પટેલ મહિલા સશક્તિકરણનો તે ટેમ્પરમેંટ છે જેઓ પોતાની હિંમત અને સાહસથી કોઈ પણ હારને પાર કરવાની ભાવના, ઉત્સાહ અને જુસ્સો ધરાવે છે. તે વખતે બ્રિટનની તે ધરતી પર જીવન આજના જેટલું સરળ નહોતું. તેમના માટે ઓફિસની નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે તેવી ગેરમાનયતા તેમના મનમાં સ્થાપિત કરવામાં આવી તેમ છતાં ત્યાં અંજના પટેલે પોતાની ઉર્જાથી ઓફિસની નોકરી તો મેળવી જ આ ઉપરાંત તેઓએ તેનાથી પણ આગળ વધીને બ્રિટન અને ત્યાં રહેતા ભારતીયોની ભલાઈ માટે તેમના ઉદ્ધાર માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું.
ભારતથી હજારો કિલોમીટર દૂર બ્રિટનમાં આવેલી છોકરી માટે ક્યાંય પણ કંઈ પણ સરળ નહોતું. પરંતુ પૂર્વ બ્રિટિશ વડા પ્રધાન માર્ગારેટ થેચરથી પ્રેરિત,ઇમિગ્રન્ટ અંજના પટેલે, તેમના દ્રઢ નિશ્ચય, અદમ્ય હિંમત અને પોતાના મૈત્રીપૂર્ણ વ્યક્તિત્વને કારણે ટૂંકા સમયમાં વિશાળ ખ્યાતિ પ્રાપ્ત કરી. તે સમયે બેંકમાં નોકરી કરતા અંજના પટેલ આટલા ઓછા સમયમાં બ્રિટનના રાજકીય વર્તુળોનું ગૌરવ બની જશે તે વાત કદાચ તેઓએ પોતે પણ નહીં વિચારી હોય. પરંતુ ટૂંક જ સમયમાં હેરો, બ્રિટનમાં સ્થાનિક સમુદાય વચ્ચે અંજનાબહેનની છબી એક લડાયક મહિલા જેવી બની ગઈ જે દરેક સમયે લોકોની પડખે ઊભા રહે છે.
બ્રિટિશ સામ્રાજ્ય હેઠળના આફ્રિકન દેશ તાન્ઝાનિયામાં તેમનો જ્ન્મ અને ત્યાં પોતાના પિતા સાથે રહેતા હતા. તેમના પિતા તે સમયે ત્યાં શિક્ષક હતા. અંજનાબહેન જણાવે છે કે તાન્ઝાનિયામાં બીચ પર 2 બહેનો અને એક ભાઈ સાથે આઇસ્ક્રીમ ખાવો અને સ્વતંત્રતાથી ફરવું એ તેમના પરિવારની સૌથી પ્રિય પળો છે. અંજના પટેલનો પરિવાર 1970માં ભારત પાછો ફર્યો. આ દરમિયાન અંજના પટેલના પિતા બ્રિટિશ પાસપોર્ટ પર સપ્ટેમ્બર 1975 બ્રિટન ગયા અને ત્યારે તેમનો પરિવાર ભારતમાં જ રહ્યો. પરંતુ ત્યાં પહોચતા જ અચાનક તેમના પિતાજીનું મૃત્યુ નીપજ્યું. બાદમાં ઓક્ટોબરમાં અંજના પટેલ તેમના પરિવાર સાથે બ્રિટન પહોચ્યા અને ત્યાં તેના અંતિમ સંસ્કાર કર્યા અને ત્યારબાદ અંજના પટેલ ત્યાં બ્રિટનમાં સ્થાયી થયા અને હવે આ તેમનું પોતાનું ઘર હતું. બેંકમાં નોકરીમાં સફળતા મેળવ્યા બાદ તેઓએ ઈસ્ટ લંડનમાં એક શાળામાં ગવર્નર પદ સંભાળ્યું પિતાના શૈક્ષણિક બેકગ્રાઉન્ડે તેમને અહી પણ ખૂબ સફળતા અપાવી. આ દરમિયાન 1979 થી 1990 દરમિયાન તત્કાલીન વડા પ્રધાન માર્ગારેટ થેચરના કાર્યકાળ દરમિયાન તેમની સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા સાહસિક અને પરિવર્તનકારી સુધારાઓએ અંજના પટેલને ખૂબ પ્રભાવિત કર્યા. આ હિંમત અને સુધારાની ભાવનાએ જ અંજના પટેલને જનતાની સેવા કરવા માટે સ્થાનિક રાજકારણમાં પ્રવેશવાની પ્રેરણા આપી અને એકવાર અંજનાબહેને આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું, પછી પાછું વળીને જોયું નહીં. હેરો ખાતે લોકોની સેવા કરવી એ છેલ્લા 23 વર્ષથી તેમની પ્રાથમિકતા અને પ્રતિબદ્ધતા છે. 2002માં હેરો કાઉન્સિલમાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા અને હાલમાં તેઓ હેરોના ડેપ્યુટી મેયર તરીકે ફરજ બજાવે છે. સેવાની ભાવના સાથે કરેલા કામને કારણે અંજના પટેલ ઝડપથી લોકોમાં અલગ તરી આવ્યા અને લોકોના જ બની ગયા. લંડન કાઉન્સિલના લીડ મેમ્બર તરીકે ફોર ઇક્વાલિટી અને ડાઇવર્સિટી માટે અંજનાબેન પટેલે “Be a Councilor” કેમ્પિયન શરૂ કર્યું જેમાં એથનિક માઈનોરીટી, યુવાઓ અને મહિલાઓને સ્થાનિક કાઉન્સીલ બનવા માટે તેમણે પ્રેરિત કર્યા હતા. આ કેમ્પિયન એટલું સફળ થયું કે પાર્ટીએ સમગ્ર યુ.કે.માં ચલવ્યું અને તેનો પ્રચાર કર્યો. આ કેમ્પિયનનો ઉદ્દેશ્ય લંડનમાં કાઉન્સિલ ચેમ્બરને તેઓ જે સમુદાયની સેવા કરે છે તેના વધુ પ્રતિનિધિ બનાવવાનો છે. આ ઝુંબેશ લંડન કાઉન્સિલ દ્વારા આયોજિત કરવામાં આવી છે, જે ક્રોસ-પાર્ટી બોડી છે જે લંડનના તમામ 33 નગરોનું પ્રતિનિધિત્વ કરે છે.
સમુદાય અને સંસ્કૃતિની સેવા કરવા ઉપરાંત અંજના પટેલે શાળાઓ અને બાળકોના વિકાસ માટે પોર્ટફોલિયો હોલ્ડર જેવી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. 2018માં અંજના પટેલના જાહેર સેવા માટેના સમર્પણને કારણે તેઓને બેલમોન્ટ વોર્ડ માટે કાઉન્સિલર તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા. આ સમય દરમિયાન 2022માં હીરોમાં પાર્ટી ફરી સત્તામાં આવી. વધુમાં તેમની નિમણૂક બ્રેન્ટ એન્ડ હેરો ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ જોઈન્ટ એડવાઈઝરી બોર્ડ અને લંડન રોડ સેફ્ટી કાઉન્સિલ જેવી બાહ્ય સંસ્થાઓમાં પણ કરવામાં આવી છે. એનવાયરમેંટ અને કમ્યુનિટી સેફ્ટી માટે જવાબદાર કેબિનેટ સભ્ય તરીકે સેવા આપતા અંજના પટેલ હેરોના રાજકીય દ્રશ્ય પર જાણીતી અને અગ્રણી વ્યક્તિ બની ગયા છે. થેમ્સ રિજનલ ફ્લડ અને કોસ્ટલ કમિટીના સભ્ય પદે તેઓ સમગ્ર વેસ્ટ લંડન જેમાં 5 બરોનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેમની સંડોવણી વિવિધ ચેરિટી સંસ્થાઓ સુધી વિસ્તરેલી છે જ્યાં તેઓ બેલમોન્ટ અને હેરોના લોકોના જીવનને સુધારવા માટે અથાક કામ કરે છે. તેનો ટ્રેક રેકોર્ડ શાનદાર છે. વેસ્ટ હેરો વોર્ડ કાઉન્સિલર તરીકેના શરૂઆતના દિવસોથી લઈને બેલમોન્ટ વોર્ડ માટે તેમની પુનઃ ચૂંટણી અને હવે હેરોના ડેપ્યુટી મેયર બનવા સુધી અંજના પટેલે અહીં પોતાની અવિશ્વાસનીય છાપ છોડી છે. લંડનની અડધાથી વધુ વસ્તી મહિલાઓની છે, પરંતુ શહેરની કાઉન્સિલમાં એક તૃતીયાંશ કરતાં પણ ઓછી બેઠકો છે.
હેરોના ડેપ્યુટી મેયર અંજના પટેલે કહે કે તેઓ રાજકારણમાં જોડાયા કારણ કે તેઓ ઇચ્છે છે કે સિસ્ટમ દરેક માટે વધુ સારી રીતે કાર્ય કરે.આમ પણ સનાતન સંસ્કૃતિમાં કામને જ પૂજા કહેવામાં આવે છે અને જે કામને પૂજા માને છે તે ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરે છે. અંજના પટેલે કર્મ હી પૂજાની ફિલોસોફી દ્વારા તેમના અને બ્રિટનમાં અન્ય લોકોનાં સ્વપ્ન પૂરાં કર્યાં છે અને આવા લોકો જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી પોતાની તમામ શક્તિ સાથે અંત સુધી જોડાયેલા રહે છે અને અંજના પટેલ તેનું જીવંત ઉદાહરણ છે. આવા સંજોગોમાં અંજના પટેલ માટે એક જ પ્રાર્થના છે કે તેઓ જુગ જુગ જીવે.