 
                                    એશિયા કપ: ભારતીય ટીમનો ક્રિકેટના મેદાન ઉપર પાકિસ્તાનનો “બહિષ્કાર”, મેચ બાદ હેન્ડશેક કરવાનોનું ટાળ્યું
દુબઈ ખાતે રમાયેલા એશિયા કપ 2025ના ગ્રુપ-એ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવી સતત બીજી જીત નોંધાવી હતી. પાકિસ્તાનએ પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં માત્ર 127 રન બનાવ્યા હતા, જયારે ભારતે લક્ષ્યાંક 15.5 ઓવરમાં જ ત્રણ વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. કુલદીપ યાદવે ત્રણ, બુમરાહ અને અક્ષર પટેલે બે-બે વિકેટ ઝડપી હતી. તેમ છતાં મેચ પછીનું ભારતનું વર્તન ચર્ચાનો વિષય બન્યું છે. સામાન્ય રીતે મુકાબલા પછી બંને ટીમોના ખેલાડીઓ હાથ મિલાવતા હોય છે, પરંતુ આ વખતે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે કોઈ ઔપચારિકતા નિભાવી નહોતી.
ટોસ સમયે પણ ભારતીય કેપ્ટન સુર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યો નહોતો. મેચ બાદ ભારતીય ખેલાડીઓ સીધા ડ્રેસિંગ રૂમમાં જઈને ઉજવણીમાં મશગુલ થયા હતા તેમજ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યારે પાકિસ્તાની ખેલાડીઓ મેદાન પર લાઈન બનાવી ભારત સાથે હાથ મિલાવવા ઊભા રહ્યા હતા. આ ઘટનાને સોશિયલ મીડિયામાં લોકો “સાઈલન્ટ બોયકૉટ” કહી રહ્યાં છે. આ ઘટનાક્રમને તાજેતરના પહલગામ આતંકી હુમલા અને ત્યારબાદ ભારતીય સેનાએ હાથ ધરેલા ‘ઑપરેશન સિંદૂર’ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. પહલગામ હુમલામાં 26 લોકોનાં મૃત્યુ થયા હતાં. ત્યારથી જ દેશમાં પાકિસ્તાન સામે રમતગમતમાં બહિષ્કારની માંગ ઉઠી રહી હતી.
કૅપ્ટન સુર્યકુમાર યાદવે જીત બાદ કહ્યું, “અમે ટીમ તરીકે પહેલેથી જ નક્કી કર્યું હતું કે આપણે મેદાન પર જ જવાબ આપવાનો છે. કેટલીક બાબતો રમતની ભાવના કરતાં મોટી હોય છે. આ જીત અમે આપણા જવાનને સમર્પિત કરીએ છીએ જેઓએ ‘ઑપરેશન સિંદૂર’માં બહાદુરી દર્શાવી.” ભારતની જીતમાં યુવા ઓપનર અભિષેક શર્માએ માત્ર 13 બોલમાં 31 રન બનાવી ટીમને ઝડપી શરૂઆત અપાવી. ત્યારબાદ સુર્યકુમાર યાદવે 37 બોલમાં નોટઆઉટ 47 રન બનાવી જન્મદિવસે જ ટીમને વિજય અપાવ્યો હતો. ભારતની આ સતત બીજી જીત છે અને ગ્રુપ-એમાં ટોચ પર પહોંચી ગયું છે. જો પાકિસ્તાન સુપર-ફોર માટે ક્વૉલિફાય કરશે તો આગામી રવિવારે બંને ટીમો ફરી ટકરાશે, જે હાલની પરિસ્થિતિને જોતા વધુ રોમાંચક બનવાની છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

