
ઢાકાઃ ઢાકામાં એક એજ્યુકેશન સંસ્થાની ઇમારત સાથે બાંગ્લાદેશ વાયુસેનાના તાલીમ ફાઇટર જેટ ટકરાયું હતું. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 27 થયો છે, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. ચીનમાં બનેલ તાલીમ ફાઇટર જેટ F-7 BGI ટેકઓફ કર્યા પછી થોડીવારમાં ટેકનિકલ ખામી સર્જાઈ અને સોમવારે ઢાકાના ઉત્તરા વિસ્તારમાં દિયાબારીમાં માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજની બે માળની ઇમારત સાથે અથડાયું હતું.
મુખ્ય સલાહકાર પ્રોફેસર મુહમ્મદ યુનુસના ખાસ સલાહકાર સૈદુર રહેમાને જણાવ્યું હતું કે, “મૃતકોની સંખ્યા હવે 27 થઈ ગઈ છે, જેમાં 25 બાળકો છે.” લગભગ 170 લોકો ઘાયલ થયા છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. શરૂઆતમાં, 20 લોકોના મોત થયાના અહેવાલ હતા અને સોમવારે રાત્રે સાત લોકોના મોત થયા હતા.
દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં પાઇલટ ફ્લાઇટ લેફ્ટનન્ટ મોહમ્મદ તૌકીર ઇસ્લામનો પણ સમાવેશ થાય છે. સરકારે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની યાદમાં મંગળવારને રાજ્ય શોક દિવસ તરીકે જાહેર કર્યો હતો. સોમવારે મુખ્ય સલાહકાર કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જાહેરાત કરવામાં આવી છે કે દેશભરની તમામ સરકારી, અર્ધ-સરકારી, સ્વાયત્ત સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે.