
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો ભવ્ય પ્રારંભ, શ્રદ્ધાળુઓએ માટે ઉભી કરાઈ વિશેષ વ્યવસ્થા
અંબાજીઃ આજે વહેલી સવારથી જ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો શુભારંભ થયો છે. સમગ્ર વાતાવરણ ‘જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યું છે, કારણ કે લાખો શ્રદ્ધાળુઓ મા અંબેના દર્શન માટે ઉમટી પડ્યા છે.
મેળાના પ્રારંભને ધ્યાનમાં રાખીને, આજે વહેલી સવારે 6 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી હતી. આ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ચાચર ચોક ભક્તોની ભીડથી ભરાઈ ગયો હતો. રાજ્યભરમાંથી અનેક પદયાત્રીઓ પગપાળા ચાલીને મા અંબેના ધામમાં પહોંચ્યા છે.
મેળાની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રસાદ લેવા માટે પણ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે.
આજે સવારે 9:30 કલાકે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા માતાજીનો રથ ખેંચીને મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ પૂજા-અર્ચના અને આરતી કરીને મેળાને સત્તાવાર રીતે ખુલ્લો મૂકવામાં આવશે. આગામી દિવસોમાં આ મેળો ભક્તોના પ્રવાહથી ધમધમતો રહેશે તેવી અપેક્ષા છે.