1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નિસંતાન દંપત્તીને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવીને ભૂવાએ 20.62 લાખ પડાવ્યા
નિસંતાન દંપત્તીને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવીને ભૂવાએ 20.62 લાખ પડાવ્યા

નિસંતાન દંપત્તીને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવીને ભૂવાએ 20.62 લાખ પડાવ્યા

0
Social Share

ગાંધીનગર, 05 માર્ચ 2026: Bhuva scams childless couple of Rs 20.62 lakh by trapping them in superstition  શહેર નજીક આવેલા પેથાપુર પોલીસ મથકની હદમાં આવતા ટીંટોડા ગામના એક  નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે અંધશ્રદ્ધાની જાળમાં ફસાવીને ભૂવાએ રૂપિયા 20.62 લાખ રૂપિયા પડાવી લેતા આ સમગ્ર મામલે પત્નીના જ સગા કાકા અને ભુવા સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, ગાંધીનગર નજીક પેથાપુર પોલીસ મથકની હદમાં આવતા ટીંટોડા ગામમાં રહેતા 25 વર્ષીય યુવાનના લગ્ન આજથી પાંચેક વર્ષ અગાઉ કોલવડાની યુવતી સાથે સમાજના રીત રીવાજ મુજબ થયા હતાં. લગ્ન બાદ બંન્ને પતિ પત્ની ટીંટોડા ખાતે રહેતા હતાં. જોકે લગ્ન જીવનમાં સંતાન સુખ પ્રાપ્ત નહીં થતા દંપતીએ ઘણા ડોક્ટરોની દવા કરાવી હતી. તેમ છતા પરણિતાને પ્રેગ્નેન્સી રહેતી ન હતી. આથી પરણિતાના કાકા આનંદજી ધુળાજી ઠાકોર (રહે, ઢોલાવાળો વાસ કોલવડા ) ભુવો હોવાથી દંપતી ભૂવાના ઘરે એકાદ વર્ષથી માતાજીના દર્શન કરવાં માટે જતા હતા. આ બાબતનો ફાયદો ઉઠાવી કાકાજી સસરા એવા ભૂવાએ સંતાન પ્રાપ્તીની લાલચ આપી હિંમતનગરના જેતોલ ગામના ભુવા ગેમરભાઈ રબારીનો સંપર્ક કરાવ્યો હતો. એ વખતે ગેમર ભુવાએ બાધા આપી સો ટકા સંતાન પ્રાપ્ત થવાની બાંહેધરી આપી હતી.દરમિયાન દંપતી દર રવિવારે સંતાન સુખની આશાએ ગેમર ભુવાને ત્યાં મંદિરે દર્શન કરવા જતા હતાં. અને ભુવો ગેમર દંપતીના ઘરે અવરનવાર પધરામણી કરવા જતો ત્યારે દંપતી પધરામણી પેટે રોકડા રૂ. 10થી 15 હજાર આપતા હતાં. એક દિવસ કાકા સસરા આનંદ ઠાકોરે ગેમરભુવાના કહેવા મુજબ ઘરમાં નડતર હોવાથી વિધિ કરાવાનું કહી એક ડબ્બામાં ચોખા મુકી તેમાં દાગીના લઈ આવવાનું કહ્યું હતું. એટલે કાકા સસરાની વાતમાં આવી દંપતીએ ઘરેથી પ્રથમ વખતે એક ડબ્બામાં ચોખા મુકી તેમા ચાંદીના કલ્લા તથા ચાંદીની કાંબીઓ વિધિ માટે આપી દીધી હતી. આમ સંતાનની લાલચમાં આવીને દંપતીએ ગત જાન્યુઆરી 2025થી સપ્ટેમ્બર 2025 દરમિયાન અનેકવાર વિધિઓ કરાવી હતી.

દંપત્તીએ કરેલી ફરિયાદ મુજબ બંને ભુવાઓએ દંપત્તીના ઘરે જઈને વિધિના બહાને દંપતીની આંખો બંધ કરાવી દેતા હતા. ત્યારબાદ સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ ચોખા ભરેલા ડબ્બામાં મુકાવી તેના પર રૂમાલ બાંધી ઘરના માળિયા પર મુકાવી દેતા હતાં. ભુવાઓએ એવી ગર્ભિત સૂચના આપી હતી કે જ્યાં સુધી માતાજી રજા ન આપે ત્યાં સુધી આ ડબ્બા ખોલવા નહીં. જેથી અલગ અલગ દિવસોએ વિધિના બહાને કુલ 14.62 લાખના સોના ચાંદીના દાગીના તેમજ છ લાખ રોકડા મળીને કુલ રૂ.20.62 લાખની મત્તા ડબ્બાઓમાં માળિયે મૂકી દીધી હતી. દંપતીને શંકા ગઈ હતી. ત્યારે બધા ડબ્બા ખોલી જોતા તેમા મુકેલા દાગીના અને રોકડા ગાયબ હતાં. અને દર દાગીનાની જગ્યાએ ચોખા તથા પથ્થરો જ મળી આવ્યા હતાં. આમ ભુવાઓએ વિધિના બહાને 6 લાખ રૂપિયા રોકડા, 9 લાખની કિંમતના 6.5 તોલા સોનાના દાગીના અને 5.62 લાખની કિંમતના 2 કિલો 80 ગ્રામ ચાંદીના દાગીના મળી કુલ 20.62 લાખનું ફુલેકું ફેરવવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code