બોલિવિયામાં બસ ખીણમાં ખાબકી, 16થી વધારે વ્યક્તિના મોત
બોલિવિયાના મધ્ય કોચાબામ્બા વિભાગમાં એક આંતરપ્રાંતીય બસ ભયાનક અકસ્માતનો શિકાર બની હતી. બસ એક પહાડી માર્ગ પરથી લગભગ 600 મીટર નીચે ખીણમાં ખાબકી હતી આ દૂર્ઘટનામાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને 36 લોકો ઘાયલ થયા છે. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની શકયતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, 23 વર્ષીય બસ ચાલક સહિત તમામ ઘાયલ લોકોને ક્વિલાકોલો શહેરના હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
બોલિવિયાના રાષ્ટ્રીય ટ્રાફિક વિભાગના વડા ઉમર ઝેગાડાએ જણાવ્યું કે આ દુર્ઘટના તે માર્ગ પર બની, જે સંકરી સડક અને ઓછી દૃશ્યતા માટે જાણીતા છે. બસ એક તીવ્ર વળાંક પર પહોંચી ત્યારે ચાલકનું નિયંત્રણ ગુમાવ્યું અને વાહન ખીણમાં લપસી ગયું હતું. આ બનાવની જાણ થતા તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી ગયું હતું અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બચાવ કામગીરી પહેલાં મદદ માટે પહોંચેલા એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું, “બસ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હતી અને અનેક મુસાફરો અંદર ફસાઈ ગયા હતા.”
ઝેગાડાએ જણાવ્યું કે, આ વાહન મૂળરૂપે માલવાહક ટ્રક હતું, જેને બાદમાં મુસાફરોને લઇ જવા માટે બદલવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બસમાં ક્ષમતાથી વધુ મુસાફરો સવાર હતા અને તે ઉંચી ઝડપે દોડતી હતી. ચાલકને હાલ બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ અને માનવહત્યાના આરોપ હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.


