
- કટ ઓફ 60 ટકાથી ઘટાડવા ઉમેદવારોએ શિક્ષણમંત્રીને કરી રજુઆત
- શિક્ષણ સહાયકોની 2125 જગ્યા સામે 1912 અરજીઓ મળી
- ઉંચા કટઓફને લીધે શિક્ષણ સહાયકોની 859 જગ્યાઓ ખાલી રહેશે
ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવી રહી છે. તેમાં મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, અંગ્રેજી, આંકડાશાસ્ત્ર, કૃષિવિજ્ઞાન વિષયોમાં ખાલી 2125 જગ્યાઓની સામે 1912 અરજીઓ આવતા 859 જગ્યાઓ ખાલી રહેવાની શક્યતા રહેલી છે. ત્યારે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ રહે નહી તે માટે ટેટ મુખ્ય પરીક્ષાના કટ ઓફ જે હાલ 60 ટકા રાખેલું છે. તેને ઘટાડીને 50 ટકા કરવામાં આવે તો એકપણ જગ્યાઓ ખાલી નહી રહે તેવી માગ સાથે અરજદારોએ શિક્ષણ મંત્રીને રજુઆત કરી છે. ત્યારે હવે જોવું રહ્યું કે શિક્ષણ વિભાગ નિર્ણય લેશે કે નહી.
રાજ્યમાં સરકારી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિષયવાર શિક્ષકોની ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની ભરતી કરાવામાં આવી રહી છે. શિક્ષણ સહાયકોની ભરતીમાં શિક્ષણ વિભાગે ટેટ મુખ્ય પરીક્ષાના કટ ઓફ 60 ટકા નક્કી કર્યા છે. આમ કટ ઓફ ઉંચું હોવાથી શિક્ષણ સહાયકની ભરતીમાં કેટલાક વિષયોની ખાલી જગ્યાઓ સામે ઓનલાઇન અરજીઓ ઓછી આવી છે. તેમાં મનોવિજ્ઞાન વિષયની સરકારીમાં 130 જગ્યાઓની સામે 102 અરજીઓ આવી છે. જ્યારે ગ્રાન્ટેડ શાળાઓમાં 206 જગ્યાઓની સામે 122 અરજીઓ આવતા 214 જગ્યાઓ ખાલી રહેશે. વધુમાં તત્વજ્ઞાન વિષયની સરકારી શાળાઓમાં 26 જગ્યાની સામે 25 અરજીઓ આવી છે. જ્યારે ગ્રાન્ટેડ શાળાઓમાં 131 જગ્યાઓની સામે 54 અરજીઓ આવી છે. ઉપરાંત સમાજશાસ્ત્ર વિષયની સરકારી શાળાઓમાં 179 જગ્યાઓની સામે 173 અરજીઓ આવી છે. જ્યારે ગ્રાન્ટેડ શાળાઓમાં 376ની જગ્યાની સામે 446 અરજીઓ આવતા 109 જગ્યાઓ ખાલી રહેશે. વધુમાં અંગ્રેજી વિષયની સરકારી શાળાઓમાં 339ની સામે 327 અરજીઓ આવી છે. જ્યારે ગ્રાન્ટેડ શાળાઓમાં 516 જગ્યાઓની સામે 597 અરજીઓ આવતા 258 જગ્યાઓ ખાલી રહેશે. આંકડાશાસ્ત્ર વિષયની સરકારી શાળાઓમાં 20 જગ્યાઓની સામે 19 અરજીઓ આવી છે. ગ્રાન્ટેડમાં 192 જગ્યાઓની સામે 42 અરજીઓ આવતા 170 જગ્યાઓ ખાલી રહેવાની શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવી રહી છે. ત્યારે જે વિષયોમાં જગ્યાઓની સામે અરજીઓ ઓછી આવી છે. ટેટ મુખ્ય પરીક્ષાના કટ ઓફમાં ઘટાડો કરીને 50 ટકા કરવામાં આવે તેવી ઉમેદવારોએ શિક્ષણમંત્રી, મુખ્યમંત્રીને રજુઆત કરી છે.