1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાટનગર ગાંધીનગરને આધૂનિક પદ્ધતિથી બનાવાશે ડસ્ટ ફ્રી સિટી
પાટનગર ગાંધીનગરને આધૂનિક પદ્ધતિથી બનાવાશે ડસ્ટ ફ્રી સિટી

પાટનગર ગાંધીનગરને આધૂનિક પદ્ધતિથી બનાવાશે ડસ્ટ ફ્રી સિટી

0
Social Share

ગાંધીનગર, 23 માર્ચ 2026: Gandhinagar to be made a dust-free city  પાટનગર ગાંધીનગરને ચોખ્ખુ ચણાક બનાવીને શહેરની સુંદરતામાં વધારો કરવાનો મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જીએમસી દ્વારા શહેરને ડસ્ટ ફ્રી સિટી બનાવવાનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં સેક્ટર 1થી 30ને સંપૂર્ણપણે ધૂળમુક્ત કરવાનો દાવો કરાયો છે. જે અન્વયે પ્રથમ તબક્કે ઘ, ચ, છ, ખ, ગ એમ આડા અને ઊભા રસ્તાઓને બ્લોકિંગ-બ્યુઇટિફિકેશન કરીને ડસ્ટ ફ્રી કરવામાં આવશે.

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના બજેટમાં શહેરના આંતરિક અને મુખ્ય માર્ગોને ડસ્ટ-ફ્રી કરવા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. આ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ પણ લીલી ઝંડી આપી દીધી છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રોડની આસપાસ જામતી માટીને રોકીને પ્રદૂષણ ઘટાડવાનો અને શહેરની સુંદરતામાં વધારો કરવાનો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ અભિયાનની શરૂઆત શહેરના મુખ્ય ધમધમતા માર્ગોથી કરવામાં આવશે. જેમાં ઘ ,ચ , છ , ખ, અને જ રોડ એટલે કે આડા ઊભા રસ્તાઓનું પેવર બ્લોક બ્યુટિફિકેશન કરવામાં આવશે. આ ત્રણ મુખ્ય રોડ અને તેને જોડતા સેક્ટરોના માર્ગો પર ખાસ ધ્યાન આપવામાં આવશે. અહીં રોડની બંને બાજુએ પેવિંગ, ગ્રાસિંગ અને પ્લાન્ટેશન કરીને ખુલ્લી માટીને ઢાંકી દેવામાં આવશે, જેથી પવન કે વાહનોની અવરજવરથી ધૂળ ઉડશે નહીં.

મ્યુનિના સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરના ડસ્ટ-ફ્રી પ્રોજેક્ટ માટે અત્યાધુનિક ટેકનોલોજી અને મિકેનિકલ સ્વીપિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. રોડ અને ફૂટપાથ વચ્ચેની જે જગ્યા ખાલી હોય છે, ત્યાં બ્લોક્સ નાખવામાં આવશે. જ્યાં શક્ય હોય ત્યાં નાની ક્યારીઓ બનાવીને છોડ રોપવામાં આવશે. તેમજ  રોડની સફાઈ માટે અત્યાધુનિક વેક્યુમ સ્વીપર મશીનો કામે લગાવવામાં આવશે, જે ધૂળના રજકણોને હવામાં ઉડતા અટકાવશે. આ સિવાય આંતરિક માર્ગો અને રિંગ રોડને પણ આઇકોનિક ટાઇપ રીતે ડેવલપ કરવામાં આવશે.

ગાંધીનગર ડસ્ટ ફ્રી સિટી બનવાથી માત્ર સુંદરતા જ નહીં, પરંતુ લોકોના સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડશે. ઉડતી ધૂળને કારણે થતા શ્વાસના રોગો અને એલર્જીની સમસ્યામાં મોટો ઘટાડો થશે. ખાસ કરીને વહેલી સવારે વોકિંગ માટે નીકળતા નાગરિકો અને વાહનચાલકોને ક્લીન એર મળશે. ડસ્ટ-ફ્રી સિટી કોન્સેપ્ટ અંતર્ગત સિમેન્ટ કોન્ક્રિટના સિમેન્ટ બ્લોક પાથરવાની 80-20ની ટકાવારી મુજબ ખર્ચની યોજના લોકભાગીદારીથી અમલી કરવામાં આવી છે. તેમાં સોસાયટીઓમાં સરકારના 80 ટકા અને લોકોના 20 ટકા ખર્ચ ભાગીદારીનાં ધોરણે કામ કરી આપવામાં આવે છે. આ યોજનાને વ્યાપક લોક પ્રતિસાદ પણ મળ્યો છે. હવે આ યોજના ઉપરાંત રોડની સાઇડ પર ફૂટપાથ ઉપરાંતની ખુલ્લી રહેતી જગ્યામાં પણ પેવર બ્લોકિંગ બ્યુટિફિકેશન કરવાની શરૂઆત કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code