
- અકસ્માતના ત્રણ દિવસ બાદ કારચાલક પકડાયો
- અકસ્માતમાં બાઈકસવાર માતા-પૂત્રને ગંભીર ઈજા થઈ હતી
- અકસ્માતની ઘટનાનો સોશિયલ મિડિયામાં વિડિયો વાયરલ થયો હતો
વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે બે-ત્રમ દિવસ પહેલા એટલે કે, ગયા મંગળવારે હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. શહેરના ગેંડા સર્કલ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેના કૂટેજ પણ સોશિયલ મિડિયામાં વાયરલ થયા હતા. કારચાલકે બાઈક ચલાવી રહેલા પુત્ર અને માતાને અડફેટે લીધા હતા. જેમાં માતાને તો ઘસડીને દૂર સુધી લઈ ગયો હતો. માતાની હાલત ગંભીર છે અને પુત્ર પણ હાલ હોસ્પિટલમાં દાખલ છે. ઘટનાના ત્રીજા દિવસે માતા પણ ભાનમાં આવ્યા નથી. અકસ્માત બાદ નાસી ગયેલા 81 વર્ષીય આરોપી કારચાલક દ્વારકાદાસ રામરખલાણીની ગોરવા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ બનાવની વિગતો એવી હતી કે, વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ હાઇટ્સમાં રહેતા સંદીપભાઈ મંગળવારે તેમની માતા ભાનુબેનને લઈને બાઈક પર ઘરેથી નીકળ્યા હતા. તેમની માતા સર્કિટ હાઉસ ખાતે સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. જેથી સંદીપભાઈ તેમની માતા ભાનુબેનને સર્કિટ હાઉસ ખાતે મુકવા માટે નીકળ્યા હતા. આ સમયે ગેંડા સર્કલ પાસે એક કાર ચાલકે બાઇકને ટક્કર મારી હતી. જેથી સંદીપભાઈ કારની નીચે આવી ગયા હતા. આ ઉપરાંત ભાનુબેનને પણ કારચાલકે દૂર સુધી ઘસડ્યા હતા. જેમાં ભાનુબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઉપરાંત સંદીપભાઈને પણ ઇજાઓ થઈ હતી. આ ઘટનાની જાણ થતા ગોરવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ ઉપરાંત 108 એમ્બ્યુલન્સની ટીમ પણ પહોંચી ગઈ હતી. જેથી માતા અને પુત્ર બંનેને ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન ભાનુબેનની તબિયત વધારે ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓ ત્રણ દિવસથી ICUમાં દાખલ છે. તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નથી. ત્રણ દિવસથી તેઓ બેભાન અવસ્થામાં છે અને તેમની સ્થિતિ ક્રિટિકલ છે.
ગોરવા પોલીસે આ મામલે અજાણ્યા ઇકો સ્પોર્ટસ કારના ચાલક સામે ગુનો નોંધ્યો હતો અને આજે આરોપી દ્વારકાદાસ રામરખલાણીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.