
- CBSE પરીક્ષામાં નાપાસ અને પરિણામ સુધારવા માગતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
- પરીક્ષાના મોડા કાર્યક્રમથી વિદ્યાર્થીઓને સરકારી કોલેજમાં પ્રવેશની સમસ્યા સર્જાશે,
- પૂરક પરીક્ષા પૂર્ણ થયા બાદ વહેલી તકે પરિણામ જાહેર કરાશે
અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી ધોરણ-10 અને 12ની પરીક્ષાના પરિણામ જાહેર કરાયા બાદ નાપાસ થયેલા અને પરિણામ સુધારવા માગતા વિદ્યાર્થીઓને માટે પૂરક પરીક્ષા આગામી તા. 15મી જુલાઈથી 22મી જુલાઈ દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.
સીબીએસઇમાં મુખ્ય પરીક્ષામાં નાપાસ તથા પરિણામ સુધારવા માગતા વિદ્યાર્થીઓ 15મી જૂલાઈથી પૂરક પરીક્ષા આપશે. સીબીએસઇની ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષા 15 જુલાઈથી શરૂ થશે. સીબીએસઇ પૂરક પરીક્ષા 22 જુલાઈના રોજ પૂર્ણ થશે. પૂરક પરીક્ષાનું પરિણામ આવતા ઓગસ્ટ મહિનો અડધો વિતિ જશે એટલે વિદ્યાર્થીઓને સરકારી કોલેજોમાં પ્રવેશની સમસ્યા સર્જાશે. આ ઉપરાંત ધોરણ 11માં પણ પ્રવેશ માટે વિદ્યાર્થીને સમસ્યા સર્જાય શકે છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી ધોરણ-10 અને 12ની પરીક્ષાના પરિણામ જાહેર કરાયા બાદ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે હવે જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવામાં આવશે. સીબીએસઇ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાઓનું સમયપત્રક સત્તાવાર રીતે જાહેર કરાયું છે. સીબીએસઇ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરીક્ષાના કાર્યક્રમ અનુસાર ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષા 15 જુલાઈથી શરૂ થશે. જેમાં ધોરણ-10 અને ધોરણ-12ના બંને પ્રવાહોના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા સવારે 10.30 વાગ્યે શરૂ થશે અને બપોરના 1.30 વાગ્યાના સુમારે પૂર્ણ થશે. જેમાં કેટલાક વ્યવસાયિક અને વૈકલ્પિક વિષયોની પરીક્ષા બે કલાકના સમયગાળા માટે લેવામાં આવશે. ધોરણ-10ની પૂરક પરીક્ષા 15 જુલાઈથી શરૂ થશે અને 22 જુલાઈના રોજ પૂર્ણ થશે. જયારે ધોરણ-12ની પરીક્ષા 15 જુલાઈના રોજ લેવામાં આવશે. પરીક્ષાના પ્રથમ દિવસે સમાવિષ્ટ વિષયોમાં અંગ્રેજી વૈકલ્પિક, હિન્દી વૈકલ્પિક, ઉર્દૂ વૈકલ્પિક, સંસ્કૃત વૈકલ્પિક જેવા મુખ્ય શૈક્ષણિક વિષયો અને ઇતિહાસ, રાજકીય વિજ્ઞાન, ભૂગોળ અને અર્થશાસ્ત્ર જેવા મુખ્ય સામાજિક વિજ્ઞાન વિષયોની પરીક્ષા લેવામાં આવશે.
સીબીએસઈ બોર્ડના સૂત્રોના કહેવા મુજબ ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા પૂર્ણ થયા બાદ વહેલી તકે પરિણામ જાહેર કરાશે. જેથી પાસ થયેલા વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે જ આગળના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકશે. મુખ્ય પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ વધારે માર્ક માટે પૂરક પરીક્ષા આપશે અને તેના પરિણામમાં જેમાં વધારે માર્ક હોય તે પરિણામ ગણાશે.
સૂત્રોના કહેવા મુજબ ગુજરાત બોર્ડની મુખ્ય પરીક્ષા સીબીએસઇ કરતાં મોડી શરૂ થઇ હતી જોકે તેમ છતાં પરિણામો બાદ ગુજરાત બોર્ડએ પૂરક પરીક્ષા વહેલી લીધી છે. જયારે સીબીએસઇ બોર્ડની મુખ્ય પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં લેવામાં આવી હતી જોકે તેમ છતાં સીબીએસઇની પૂરક પરીક્ષા 15 જુલાઇથી 22મી જુલાઈ દરમિયાન લેવાશે.