સદીઓની વેદના આજે શાંત થઈઃ નરેન્દ્ર મોદી
અયોધ્યાઃ રામ નગરી અયોધ્યામાં રામ મંદિરના શિખર ઉપર ધર્મ ધ્વજાના આરોહણ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં પોતાના સંબોધનમાં જણાવ્યું કે અયોધ્યા મંદિરમાં ધર્મ ધ્વજાની સ્થાપના ભારતીય સંસ્કૃતિ અને રામરાજ્યના આદર્શોની પુનઃસ્થાપનાનો પવિત્ર પ્રસંગ છે. PM મોદીએ કહ્યું કે ધર્મ ધ્વજા પર દર્શાવેલ કોવિદાર વૃક્ષ એ આપણને યાદ અપાવે છે કે પોતાની ઓળખ ભૂલીએ ત્યારે આપણે મૂલ્યો ગુમાવી દઈએ છીએ. PMએ જણાવ્યું કે 1835માં મેકૉલે નામના અંગ્રેજે ભારતમાં માનસિક ગુલામીના બીજ વાવ્યા હતા અને આવતા 10 વર્ષમાં તેના 200 વર્ષ પૂર્ણ થશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “અમે સંકલ્પ કર્યો છે કે આગામી 10 વર્ષમાં ભારતને માનસિક ગુલામીમાંથી સંપૂર્ણ મુક્ત કરીશું.”
તેમણે જણાવ્યું કે આજેય ઘણી જગ્યાએ આ માનસિકતા બચી છે.“ગુલામીની આ માનસિકતાએ ભગવાન રામને પણ કાલ્પનિક કહી દીધા હતા. જ્યારે ભારતના કણકણમાં રામ છે.” PM મોદીએ ભાવુક થઈને જણાવ્યું હતું કે, 21મી સદીનું અયોધ્યા વિકસિત ભારતનું મેરુદંડ તરીકે ઉભરી રહી છે. તેમણે જણાવ્યું કે, અયોધ્યામાં આધુનિક રેલવે સ્ટેશન બન્યું છે, વંદે ભારત અને અમૃત ભારત ટ્રેનો ચાલુ છે, પ્રાણ પ્રતિષ્ઠા પછી 45 કરોડથી વધુ લોકો રામલલાના દર્શન કરી ચૂક્યા છે, આથી અયોધ્યા અને આસપાસના વિસ્તારોનો આર્થિક વિકાસ ઝડપી બન્યો છે. PMએ જણાવ્યું કે છેલ્લા 11 વર્ષમાં ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે અને ભારત ખૂબ જલ્દી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત “સિયાવર રામચંદ્ર કી જય”ના ઘોષ સાથે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સંપૂર્ણ ભારત અને સમગ્ર વિશ્વ આજે રામમય બની ગયો છે. સદીયોનું દુઃખ, સદીયોનું સંકલ્પ આજે પૂર્ણતા પામ્યું છે. ધર્મ ધ્વજાનો ભગવા રંગ, સૂર્યનું ચિહ્ન અને કોવિદારનું વૃક્ષ રામરાજ્યની ગૌરવગાથા દર્શાવે છે. આ ધ્વજ યુગો સુધી દરેક માનવને પ્રેરણા આપશે. પ્રધાનમંત્રીએ રામ મંદિર નિર્માણમાં સહભાગી તમામ દાનવીરો, શ્રમવીરો, કારીગરો અને આયોજનકારોનું અભિનંદન કર્યું હતું. તેમણે કહ્યું કે અયોધ્યામાં આજે બનેલા સપ્ત મંદિર, નિષાદરાજ, જટાયુ અને ગિલહરીની મૂર્તિઓ રામરાજ્યના સહકાર અને સામૂહિક પ્રયાસનું પ્રતિક છે. “રામને શક્તિ કરતાં સહકાર મહાન લાગે છે, અને આજે ભારત પણ એ જ માર્ગે આગળ વધી રહ્યું છે.”
PM મોદીએ કહ્યું કે, “રામ એટલે જનતા સુખ સર્વોપરી.” “રામ એટલે સત્યનો અડગ સંકલ્પ.” “રામ એટલે કોમળતા સાથેની દૃઢતા.” “રામ એટલે શ્રેષ્ઠ સંગતિનો સ્વીકાર.” જો ભારતને 2047માં વિશ્વનું વિકસિત રાષ્ટ્ર બનાવવા છે, તો દરેકે પોતાના અંદર રામને જગાડવો જ પડશે.


