
- રૂ. 1200 કરોડના ખર્ચે સાબરમતી આશ્રમની રિ-ડેવલપમેન્ટ કામગીરી ચાલી રહી છે,
- રાજ્યના મુખ્ય સચિવ પણ સીએમ સાથે નિરીક્ષણમાં જોડાયા,
- મુખ્યમંત્રીને સાબરમતી આશ્રમમાં વિકાસ કામ અંગે વિગતવાર માહિતી અપાઈ
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી હાથ ધરાઈ રહેલા ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ’ની કામગીરીની સમીક્ષા કરી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
વડાપ્રધાનએ 2024માં 12 માર્ચ દાંડીકૂચ સ્મૃતિ દિવસે આ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કાર્યારંભ ભૂમિવંદનાથી કરાવ્યો હતો. અંદાજે રૂ. 1200 કરોડના ખર્ચે મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા 55 એકરમાં આ રિ-ડેવલપમેન્ટ કામગીરી હાથ ધરાઈ રહી છે.
મુખ્યમંત્રી આ કામગીરી પ્રગતિની વિગતો મેળવવા માટે મુખ્ય સચિવ પંકજ જોષી સાથે આશ્રમની મુલાકાતે ગયા હતા. મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ચેરમેન આઈ. પી. ગૌતમ અને ખાસ ફરજ પરના અધિકારી આઈ.કે. પટેલે મુલાકાત દરમિયાન ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ’ અંતર્ગત ચાલી રહેલી કામગીરીની વિગતો પૂરી પાડી હતી.
આ મુલાકાત દરમિયાન, મુખ્યમંત્રીએ જૂના મકાનોના રિસ્ટોરેશનની કામગીરીનું નિરીક્ષણ કરીને પૂર્ણ થયેલા કામો અને પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી હતી. તેમણે સોમનાથ છાત્રાલય, દસ ઓરડી, વણિક પરિવારની ચાલી અને આશ્રમશાળા જેવા મકાનોની કામગીરી નિહાળી હતી. પ્રોજેક્ટમાં ચાલતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામો, મુલાકાતીઓ માટેના આંતરિક રસ્તા, ડ્રેનેજ, પીવાના પાણીની વ્યવસ્થા સહિતની કામગીરીની સમીક્ષા મુખ્યમંત્રીએ કરી હતી.
આશ્રમની મુલાકાતે આવનારા પ્રવાસીઓ માટે નિર્માણ થનારી પાર્કિંગ સુવિધા, પ્રવેશદ્વાર, ફૂડ કોર્ટ, આશ્રમના પુનઃનિર્માણ પામી રહેલા વિવિધ વિભાગો અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો પર ચાલતી કામગીરી વગેરેની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ સ્મારક ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે અને ગાંધીજીના વિચારોની અસરકારકતા વધારશે. અહીંયા ગાંધીજીના દિવ્ય જીવન અને આશ્રમના ભવ્ય વારસાને દર્શાવતા માહિતીપ્રદ પ્રદર્શનોની સાથે જ પૂજ્ય બાપુ દ્વારા સાબરમતી આશ્રમથી શરૂ કરવામાં આવેલા સત્યાગ્રહ અને સ્વાતંત્ર્ય સંગ્રામને દર્શાવતા ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો પણ મુલાકાતીઓ નિહાળી શકશે.