- શાળામાં પુરતા વર્ગ ખંડો ન હોવાથી બાળકોને પડતી મુશ્કેલી,
- કડકડતી ઠંડીમાં પોતાના બાળકોને ખૂલ્લામાં ભણતા જોઈ વાલીઓ ઉશ્કેરાયા,
- 10 દિવસમાં નિર્ણય નહીં આવે તો શાળાને તાળાંબંધી કરાશે
પાલનપુરઃ બનાસકાંઠા સરહદી અને પછાત જિલ્લો ગણાય છે. જિલ્લાના અંતરિયાળ ગામોની શાળાઓમાં પુરતા શિક્ષકો અને વર્ગ ખંડો ન હોવાની ફરિયાદો ઊઠી છે. ત્યારે જિલ્લાના ધાનેરા તાલુકાના જાડી-2 ગામની પ્રાથમિક શાળામાં પુરતા વર્ગ ખંડો ન હોવાથી કડકડતી ઠંડીમાં બાળકો ખૂલ્લામાં બેસીને શિક્ષણ મેળવી રહ્યા છે. જાડી-2 પ્રાથમિક શાળામાં બે વર્ષ પહેલા 6 ઓરડાઓ જર્જરિત થતાં શિક્ષણ વિભાગ દ્વારા તે ઓરડાઓ તોડી પાડવામાં આવ્યા હતા. જે બાદ છેલ્લા બે વર્ષ બાદ પણ શાળાના ઓરડા બનાવવામાં આવ્યા નથી. આથી ગ્રામજનો રોષે ભરાયા છે. અને 10 દિવસમાં નવા ઓરડા બનાવવાનો નિર્ણય નહીં લેવાય તો શાળાને તાળાંબંધી કરવાનું એલાન કરાયું છે.
ધાનેરા તાલુકાની જાડી-2 પ્રાથમિક શાળામાં ઓરડાઓ જર્જરિત થતાં બે વર્ષથી બાળકો ઠંડીમાં પણ બહાર ખુલ્લામાં ભણવા મજબૂર બન્યાં છે. જેથી ગ્રામજનો દ્વારા સ્થાનિક નેતા તથા શિક્ષણ વિભાગમાં વારંવારની રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય મળતાં ગ્રાંમજનો રોષે ભરાયા છે. જો 10 દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહી આવે તો શાળાને તાળાબંધી કરવામાં આવશે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું. શાળામાં છેલ્લા બે વર્ષથી 12ના મહેકમ સામે ફક્ત 5 જ સરકારી શિક્ષકો દ્વારા બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે.
ધાનેરા તાલુકાની જાડી-2 પ્રાથમિક શાળામાં બે વર્ષ પહેલા 6 ઓરડાઓ જર્જરિત થતાં શિક્ષણ વિભાગ દ્વારા તે ઓરડાઓ તોડી પાડવામાં આવ્યા હતા. જે બાદ છેલ્લા બે વર્ષથી બાળકોને બે પાળીમાં ભણાવવામાં આવે છે પરંતુ સવારની પાળીમાં કડકડતી ઠંડીમાં બાળકો ખૂલ્લામાં બેસીને ભણી રહ્યા છે.
આ અંગે ડીપીઆઓના કહેવા મુજબ શિક્ષણ વિભાગના અધિકારીના કહેવા મુજબ ધાનેરા તાલુકાની જાડી-2 પ્રાથમિક શાળાના છ વર્ગખંડો સ્કૂલ ઓફ એક્સલેન્સ પ્રોજેક્ટના ચોથા તબક્કામાં સમાવેશ કરવામાં આવેલા છે. જેની ટેન્ડર પ્રક્રિયા પ્રોસેસમાં છે. ટૂંક જ સમયમાં કામ ચાલુ કરવામાં આવશે અને શાળા તથા બાળકોને છ નવા વર્ગખંડો મળી રહેશે.