
મંદસૌરમાં CM મોહન યાદવના હોટ એર બલૂનમાં લાગી આગ, સીએમનો બચાવ
મંદસૌરઃ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનો આજે એક મોટો અકસ્માત ટળ્યો હતો. શનિવારે તેઓ મંદસૌર ખાતે હોટ એર બલૂન એક્ટિવિટીમાં જોડાયા હતા, ત્યારે તેમના હોટ એર બલૂનમાં અચાનક આગ લાગી હતી. જોકે, સુરક્ષામાં તૈનાત જવાનોએ તાત્કાલિક તેમને બહાર કાઢતા બચાવ થયો હતો. બાદમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
માહિતી મુજબ, મંદસૌરના ગાંધી સાગર અભ્યારણ્યમાં દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. શનિવારે સવારે મુખ્યમંત્રી મોહન યાદવ પણ હોટ એર બલૂન એક્ટિવિટીમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તેઓ બલૂનની અંદર હતા, ત્યારે અચાનક તેના તળિયે આગ લાગી હતી. સીએમની સુરક્ષા ટીમે તરત જ કાર્યવાહી કરતાં તેમને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
હોટ એર બલૂનની દેખરેખ કરનારા કર્મચારીઓએ જણાવ્યું કે મુખ્યમંત્રી બલૂનમાં સવાર થયા ત્યારે પવનની ગતિ આશરે 20 કિમી પ્રતિ કલાક હતી. જેના કારણે બલૂન આગળ વધી શક્યું નહીં અને તળિયાના ભાગમાં આગ લાગી હતી.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી મોહન યાદવ શુક્રવારે ઝાબુઆની મુલાકાતે હતા. ત્યાં તેમણે દિવાળી બાદ ‘લાડલી બહેના યોજના’ હેઠળ મળતી માસિક સહાય ₹1,250માંથી વધારીને ₹1,500 કરવાની જાહેરાત કરી હતી.