
બિહારની જનતાને CM નીતિશ કુમારની મોટી ભેટ: 125 યુનિટ સુધી મફત વીજળીની જાહેરાત
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના લોકોને મોટી ભેટ આપી છે. તેમણે જાહેરાત કરી છે કે 1 ઓગસ્ટ, 2025થી રાજ્યના ઘરેલુ ગ્રાહકોને 125 યુનિટ સુધી વીજળી મફત આપવામાં આવશે. આ નિર્ણયથી બિહારના કુલ 1 કરોડ 67 લાખ પરિવારોને સીધો ફાયદો થશે.
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર શરૂઆતથી જ લોકોને સસ્તા દરે વીજળી પૂરી પાડી રહી છે, અને હવે જુલાઈ મહિનાના બિલથી 125 યુનિટ સુધીની વીજળી માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.
મફત વીજળી ઉપરાંત, સરકારે સૌર ઊર્જાને પણ પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો છે. આગામી ત્રણ વર્ષમાં, ઘરેલુ ગ્રાહકોની સંમતિથી તેમની છત પર અથવા નજીકના જાહેર સ્થળોએ સૌર ઉર્જા પ્લાન્ટ્સ સ્થાપિત કરવામાં આવશે. ‘કુટીર જ્યોતિ યોજના’ હેઠળ, સરકાર અત્યંત ગરીબ પરિવારો માટે સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવાનો સમગ્ર ખર્ચ ઉઠાવશે અને જરૂરી મદદ પૂરી પાડશે.